એરોમા સર્કલ થી ગુરુનાનક ચોક સુધી આઠ માર્ગીય રોડ બનશે
રૂ.18 કરોડના ખર્ચે દોઢ કિલોમીટર લાંબા રોડનું નિર્માણ કરવામાં આવશે
એરોમાં સર્કલની ટ્રાફિકની વિકટ સમસ્યા વચ્ચે શહેરને મળશે 8 માર્ગીય વિકાસ પથની ભેંટ: પાલનપુર શહેરની વકરતી જતી ટ્રાફિક સમસ્યા વચ્ચે શહેરના પ્રવેશ દ્વાર સમાં એરોમા સર્કલ થી રેલવે ઓવર બ્રિજ સુધી વિકાસ પથ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં હાલ જે ચાર માર્ગીય રોડ છે. ત્યાંના ફૂટપાથ તેમજ આજુબાજુ ના દબાણો દૂર કરીને અહી રૂ.18 કરોડના ખર્ચે આઠ માર્ગીય રોડ બનાવવા માં આવશે. જેની માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા ડિઝાઇન તૈયાર કરવા ની તજવીજ હાથ ધરવામાંઆવી છે.
રાજ્ય સરકાર દ્વારા પાલનપુરમાં આરટીઓ ચેક પોસ્ટ પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અગાઉ થ્રી લેગ ઓવર બ્રિજની ભેંટ આપવામાં આવી છે. ત્યારે હવે પાલનપુર શહેરને વધુ એક વિકાસ પથની ભેટ મળવા જઈ રહી છે. જેમાં પ્રવેશદ્વાર સમાં એરોમા સર્કલ થી ગુરુનાનક ચોક સુધીના દોઢ કિલોમીટરના અંતરમાં અહી મોટાભાગની જિલ્લા કક્ષાની કચેરીઓ, બસ પોર્ટ તેમજ જીઆઇડીસી સહિતના એકમો આવેલા હોઇ અહી વાહનોની ભારે અવરજવરને લઇ ટ્રાફિકની સમસ્યા સર્જાય રહી છે. ત્યારે ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા દોઢ કિલો મીટરના અંતરમાં વિકાસ પથ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં હાલ ચાર માર્ગીય રોડ છે. જ્યા આસપાસના ફૂટપાથ તેમજ દબાણો દૂર કરીને અહીં રૂ.18 કરોડના ખર્ચે આઠ માર્ગીય રોડ બનાવવા માં આવશે તેવું જણાવતા ધારાસભ્ય અનિકેત ઠાકરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
જોકે સરકાર દ્વારા વિકાસ પથ મંજૂર કરવામાં આવતા જિલ્લા આરએનબી દ્વારા આ વિકાસ પથની ડીઝાઈન તૈયાર કરવાની સાથે તેની ટેન્ડરીંગ સહિતની પ્રકિયાઓ હાથ ધરવામા આવી છે.
દબાણો-ફૂટપાથ દૂર કરાશે: પાલનપુર એરોમાં સર્કલથી શહેરના પ્રવેશ દ્વાર સમાં રેલવે ઓવર બ્રિજ સુધીના માર્ગને 8 માર્ગીય તરીકે વિકસાવાશે. જોકે, 8 માર્ગીય રોડ બનાવવા માટે સર્વિસ રોડ પરના લારી-ગલ્લાના દબાણો અને ફૂટપાથ દૂર કરાશે. જેનાથી લારી-ગલ્લાવાળાઓની રોજગારી છિનવાશે પણ નગરજનોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.
એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યામાંથી છૂટકારો મળે તેવી માંગ: એકબાજુ રાજ્ય સરકારે પાલનપુર શહેરને ટ્રાફિક મુક્ત કરવાના પ્રયાસરૂપે રૂ.18 કરોડના ખર્ચે શહેરમાં પ્રવેશવાના માર્ગને 8 માર્ગીય બનાવવાની મંજૂરી આપી છે. તો બીજી તરફ એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિ દિન વકરતી જાય છે. તંત્રના નિત નવા ગતકડાં કારગત નીવડ્યા નથી. બબ્બે વાર ટ્રાફિક સિગ્નલ પણ નિષ્ફળ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર તાકીદે બાયપાસનું કામ શરૂ કરી એરોમાં સર્કલથી હનુમાન ટેકરી સુધી પીલ્લર પર બ્રિજ બનાવે તેજ સમયની માંગ છે. ત્યારે સરકાર સત્વરે એરોમાં સર્કલ પરની ટ્રાફિક સમસ્યામાંથી નગરજનોને કાયમી છૂટકારો અપાવે તેવી માંગ જોર પકડી રહી છે.