માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ
પાલનપુર તાલુકાના ગઢથી હોડા જતા માર્ગ પર ચોમાસા બાદ ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય છવાયું છે. ચાર કિલોમીટર લાંબા આ માર્ગ પર બંને બાજુ ઝાડી ઉગી જતાં રસ્તો સાંકડો બની ગયો છે.જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા વાહનોને સામે આવતી ગાડીઓ પસાર થવા માટે અડધો કિલોમીટર સુધી રિવર્સ જવું પડે છે, જ્યારે નાના વાહન ચાલકો અને રાહદારીઓને પણ અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
ગઢ ગામના ખેડૂત દલપતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, “ગઢ-હોડા રોડ પર મારું ખેતર આવેલું છે.ચોમાસા દરમિયાન રોડની બાજુમાં ઝાડી ઉગી જાય છે, જેના કારણે વાહન ચાલકોને તકલીફ પડે છે. માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક આ ઝાડી દૂર કરાવવી જોઈએ.”જ્યારે સ્થાનિક ખેડૂતો,પશુપાલકો અને વાહનચાલકો જણાવી રહ્યા છે કે ચોમાસા બાદ આ સમસ્યા યથાવત છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ સત્વરે આ માર્ગ પરના ઝાડી ઝાંખરાને તરત દૂર કરી વાહનવ્યવહાર સરળ બનાવી લોકોને પડતી હાલાકી દૂર કરે તેવી માંગ કરી રહ્યા છે.

