સત્વરે સમારકામ સાથે રોડને ફોર લાઈન બનાવવાની શ્રદ્ધાળુઓની ઉગ્ર માંગ; બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક લાખણીથી ગેળા યાત્રાધામના જર્જરીત બનેલા રોડ ઉપર ખાડાનું સામ્રાજ્ય છવાયું છે. અહીં રોડ ઉપર ઠેર-ઠેર ખાડાઓ પડેલા છે. જેના કારણે આ રોડ ઉપર ટ્રાફીકનો પ્રશ્ન પણ માથાના દુખાવા સમાન બનેલ છે. જેથી શ્રદ્ધાળુઓ પણ તોબા પોકારી ઉઠે છે.
ગેળા ગામમાં પ્રાચીન શ્રીફળીયા હનુમાન મંદિર આવેલ છે. જ્યાં દરરોજ દૂરદૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. તેમાં પણ દર શનિવારે મેળા જેવો માહોલ જામે છે. પણ આવનાર તમામ શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો રોડના ખાડાઓથી ત્રસ્ત છે વાહન ચાલકો પણ પરેશાન છે. પણ રજુઆત કરવી કોને? કારણ અહીં દાદાના દર્શન કરવા મંત્રીઓ સહિત નેતાઓ પણ આવે છે. શું એમને તૂટેલા રોડ પર પડેલા આટલા મોટા ખાડા દેખાતા નથી? આ રોડ ઉપર મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. ત્યારે આ રોડ ફોર લાઈન બનાવવા માટેની પણ લોકોની માંગ છે. અને જ્યાં સુધી રોડ ફોરલાઈન ન બને ત્યાં સુધી તાત્કાલિક અસરથી રોડ ઉપર પડેલા જીવલેણ ખાડાઓ પુરી સમારકામ કરવામાં આવે અને રોડને સમતળ કરવામાં આવે એ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.
આ બાબતે દાદાના દર્શને આવેલા એક શ્રદ્ધાળુએ રોષ ઠાલવતા જણાવ્યું કે, અહીં ચમત્કારીક- સુપ્રસિદ્ધ હનુમાન મંદિર આવેલ છે. જ્યાં દરરોજ ભાવિકો દાદાના દર્શને આવે છે. તેમાં પણ દર શનિવારે મેળો ભરાય છે. અને મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. પરંતુ તાલુકા મથક લાખણીથી ધામ સુધીનો રોડ અગાઉના પુર વખતથી બિસ્માર બની ઠેકઠેકાણેથી તૂટી ગયો છે. જેના કારણે ટ્રાફીક વચ્ચે અકસ્માતની દહેશત વચ્ચે ભારે તકલીફ પડે છે. તેમ છતાં વર્ષોથી આ રોડનું નવીનીકરણ કે સમારકામ કરાતું નથી. જો આ રોડ ફોર લાઈન કરવામાં આવે તો તમામ પ્રશ્ન હલ થઈ જાય પણ હાલમાં તૂટેલા રોડનું કામકાજ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે એવી અમારી માંગ છે.