ડીસામાં બગીચા સર્કલ નજીક ફરી ટ્રાફિક ચક્કાજામ; બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસાના સરદાર બાગ નજીકના બગીચા સર્કલ ઉપર દિવસ દરમિયાન ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી છે. દિવસ દરમિયાન આ સર્કલ ઉપર વારંવાર કલાકો સુધી ટ્રાફિકજામ થાય છે પરંતુ હાલમાં ફરી એકવાર કાળઝાળ ગરમી વચ્ચે ટ્રાફિકજામ થતા વાહન ચાલકો અને રાહદારીઓ અકળાઈ ઉઠ્યા હતા.
મઁગળવારે ડીસાના સરદાર બાગ નજીકના સર્કલ ઉપર બપોરના એક વાગ્યાની આસપાસ કલાકો સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અકળાઈ ઉઠ્યા હતા. એક તરફ કાળઝાલ ગરમી અને તેમાંય ટ્રાફિકજામ થતા વાહન ચાલકો સાથે રાહદારીઓ પણ પરસેવે રેબઝેબ થઈ ઉઠ્યા હતા અને પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે હાલમાં 42 ડિગ્રી ગરમી છે, અને તેમાંય આ સર્કલ ઉપર દિવસ દરમિયાન વારંવાર ટ્રાફિકજામ થાય છે અને કલાકો સુધી આવી કાળઝાલ ગરમીમાં શેકાવું પડે છે આ રોજીંદી બનેલી સમસ્યાનો અંત ક્યારે આવશે? તેમ ઉમેર્યું હતું.
સરદાર બાગ નજીક પાલનપુર, અમદાવાદ અને પાટણ તરફ જતી બસો ઉભી રહે છે. તેથી ટ્રાફીક સર્જાય છે. જો પાલનપુર અને પાટણ તરફ જતી બસો સીધી હાઇવેથી પસાર થાય તો આ સમસ્યા હળવી બની શકે તેમ છે. આ ઉપરાંત આ સર્કલ ઉપર લારી,ગલ્લા, પાથરણાવાળાની સાથે આડેધડ પેસેન્જર રીક્ષાઓનો ખડકલો હોય છે.જેના કારણે અહીં સતત ભીડ રહેતા ટ્રાફિક થાય છે. અહીં ટ્રાફિક પોલીસ અને ટીઆરપી જવાનોની હાજરી હોવા છતાં પણ સુચારુરૂપે ટ્રાફિક નિયમન થતું નથી. પરિણામે દિવસ દરમિયાન અહીં વારંવાર ટ્રાફિકજામ થાય છે.


