બહુચરાજી ખાતે જિલ્લા કલેકટર અને ધારાસભ્યના હસ્તે ત્રિદિવસીય ચૈત્રી પૂનમના લોકમેળાનો શુભારંભ

બહુચરાજી ખાતે જિલ્લા કલેકટર અને ધારાસભ્યના હસ્તે ત્રિદિવસીય ચૈત્રી પૂનમના લોકમેળાનો શુભારંભ

આસ્થા, ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન બહુચરાજીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું

મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આજે જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિ અને ધારાસભ્ય સુખાજી ઠાકોરે દીપ પ્રાગટ્ય કરી ત્રિદિવસીય ચૈત્રી પૂનમના મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આસ્થા, ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ બહુચરાજીના મેળામાં નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. જગ પ્રસિઘ્ધ બહુચરાજી માતાજીના મંદિરના સાનિઘ્યમાં ચૈત્રી પુનમના પરંપરાગત મેળાનું અનેરૂ મહાત્મય છે. આ તીર્થધામમાં મેળાના દિવસોમાં સ્થાનિક ઉપરાંત અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાંથી લાખો ભાવિકો માતાજીના દર્શનાર્થે ઉમટે છે.

ગુજરાતના પવિત્ર આસ્થાનું ધામ એવા બહુચરાજીમાં દર વર્ષે ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ વખતે આ ચૈત્રી પૂનમના મેળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ હોવાથી વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. મંદિર પરિસરની આજુબાજુ છાયડાની સાથે સાથે જમીન ઉપર કારપેટ પણ પાથરવામાં આવી છે. આ ઉપરાંત યાત્રાળુઓને ઠંડક મળી રહે તે માટે મંદિર પરિસરમાં કુલર સાથે ઠંડા પાણીના ફુવારા (સ્પ્રિંકલર)ની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત પૂનમના દિવસે દર્શનાર્થીઓ માટે ટ્રસ્ટ દ્વારા સવાર, સાંજ બે ટાઈમ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ તારીખ 11 એપ્રિલના રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

દર્શનાર્થે પધારતા યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે એસ ટી વિભાગ દ્વારા 573 ટ્રીપોની વ્યવસ્થા, ટ્રાફિકની વ્યવસ્થા તથા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા મેડિકલ કેમ્પ તથા મોબાઈલ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કલેકટરે ચૈત્રી પૂનમના મેળાનો લાભ લેવા યાત્રાળુઓને અનુરોધ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચુંવાળ પંથકના યાત્રાધામ બહુચરાજીમાં ચૈત્રી પૂનમના લોકમેળામાં લાખો શ્રધ્ધાળુઓ માઁ બહુચરના દર્શનાર્થે પધારતા હોય છે. માઇભક્તોને દર્શન ઉપરાંત પીવાના પાણી, રહેવા, જમવા સહિતની કોઇપણ અગવડ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મેળામાં શાંતિ, સલામતી જળવાઇ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *