મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૧૧ સપ્ટેમ્બરના રોજ પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રીએ સુઈગામ, વાવ અને થરાદ તાલુકાના અસરગ્રસ્ત લોકોને મળી તેમની મુશ્કેલીઓ સાંભળી હતી. જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાને પગલે સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો છે.
સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા અલગ-અલગ કુલ ૧૦૦ થી વધારે ટીમો બનાવી સર્વે હાથ ધરાયો છે. સર્વે ટીમો હાલમાં ઢીંચણ સમા પાણીમાં પણ વરસાદથી થયેલ નુકશાનની સર્વે કામગીરીમાં જોતરાઇ છે. સર્વેમાં ઘરોમાં પાણી ભરાવાથી થયેલ નુકસાનનું મૂલ્યાંકન, ઘરમાં રહેલા લોકોની ખોરાક, પાણી અને આરોગ્ય સંબંધિત તાત્કાલિક જરૂરિયાતો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને થતી મુશ્કેલીની નોંધણી, તાત્કાલિક દવાઓ તથા આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી પૂરગ્રસ્ત નાગરિકોને સરકાર તરફથી મળનારી સહાય માટેની જરૂરી વિગતોનો અહેવાલ તૈયાર કરવામાં આવશે. નાગરિકોને કોઈપણ પ્રકારની સમસ્યા ના રહે એ માટે રેવન્યુ સ્ટાફ સતત કામગીરી કરી રહ્યો છે.


