મહેસાણા શહેરમાં એક અજીબોગરીબ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના લાખવડી ભાગળ નજીક કુક્સ રોડ પર ખારી નદીના કિનારેથી એક અજાણ્યા માનવનું કપાયેલું અંગ એટલે કે કપાયેલી હાલતમાં પગ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાથમિક દ્રષ્ટિએ આ પગ કોઈ વૃદ્ધ વ્યક્તિનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ મહેસાણા શહેર એ. ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કપાયેલી હાલતમાં પગ મળતા અનેક સવાલો હાલમાં આ કપાયેલા પગને લઈ અનેક રહસ્યમય સવાલો ઊભા કરે છે. આ માનવ અંગ અહીં કેવી રીતે આવ્યું? તે કોઈ ગુનાહિત કૃત્યનો ભાગ છે કે અન્ય કોઈ ઘટના? આ પગ કઈ વ્યક્તિનો છે? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

