કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે પુરાણ ન થતા વાહનો પલટી જવાના બનાવો વધ્યા; ડીસાના રાણપુર રોડ પર ભૂગર્ભ ગટરના કામકાજમાં કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે પુરાણ કરવા બાબતે ચાલી રહેલી બેદરકારીને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખોદકામ બાદ યોગ્ય રીતે પુરાણ ન થવાને કારણે રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે, જેના લીધે વાહનો, ખાસ કરીને બટાકા ભરેલા ટ્રેક્ટરો, ખાડામાં ફસાઈ જવાના અને પલટી ખાઈ જવાના બનાવો વધી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં જ બટાકા ભરેલા ત્રણથી વધુ ટ્રેક્ટરો પલટી ગયા છે.
હાલમાં બટાકા કોલ્ડ સ્ટોરેજમાં ભરવાની સીઝન ચાલી રહી હોવાથી અને આ રસ્તા પર 20 થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા હોવાથી દિવસ-રાત બટાકા ભરેલા ટ્રેક્ટરોની અવરજવર રહે છે. પણ ખાડાઓના કારણે ટ્રેક્ટરો ફસાઈ જતાં ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છેઅને ટ્રાફિક જામ થવાથી લોકો પણ પરેશાન થાય છે. અગાઉ પણ આ રસ્તાની એક તરફ પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું નથી. હવે ફરીથી બીજી તરફ ખોદકામ શરૂ થતાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી રહી છે. આ કામ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ચાલી રહ્યું હોવાથી નગરપાલિકા પણ આ બાબતે કોઈ ફરિયાદ સાંભળતી નથી. સ્થાનિક લોકો અને ખેડૂતોએ આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે કોર્પોરેશન અને નગર પાલિકાને રજૂઆત કરી છે.