ડીસા બસ સ્ટેન્ડ પર ગંદકીનું સામ્રાજ્ય છવાયું; મુસાફરો અને વેપારીઓ ત્રાહિમામ..!

ડીસા બસ સ્ટેન્ડ પર ગંદકીનું સામ્રાજ્ય છવાયું; મુસાફરો અને વેપારીઓ ત્રાહિમામ..!

ડીસા શહેરમાં આવેલા મુખ્ય બસસ્ટેન્ડ પર પારાવાર ગંદકી અને કાદવ-કીચડના કારણે મુસાફરો તેમજ આસપાસના વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બસ સ્ટેન્ડના પ્રવેશદ્વારથી લઈને પાર્કિંગ વિસ્તાર સુધી ચારેય તરફ ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે, જેના કારણે રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. તેમ છતાં, એસ.ટી. તંત્ર દ્વારા સફાઈ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસા બસ સ્ટેન્ડ પર દૈનિક હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં સફાઈનો અભાવ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો છે. બસ સ્ટેન્ડના મુખ્ય પ્રવેશદ્વાર પર જ કાદવ અને કીચડના થર જામી ગયા છે, જેના કારણે મુસાફરોને બસમાં ચઢવા-ઉતરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પાર્કિંગ વિસ્તારની સ્થિતિ પણ દયનીય છે, જ્યાં વરસાદી પાણી ભરાવાને કારણે કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે.

આ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગચાળાને આમંત્રણ આપી રહ્યો છે. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે, ગંદકીના કારણે તેમના વ્યવસાય પર પણ નકારાત્મક અસર પડી રહી છે કારણ કે ગ્રાહકો દુર્ગંધ અને ગંદકીના કારણે અહીં આવવાનું ટાળી રહ્યા છે.

આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં, એસ.ટી. વિભાગ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવતું નથી. પ્રવાસીઓ અને વેપારીઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. તાત્કાલિક ધોરણે સફાઈ હાથ ધરીને રોગચાળાને ફેલાતો અટકાવવા અને મુસાફરોને સુવિધા પૂરી પાડવા માટે લોકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *