પાદરા તાલુકાના માસર ગામના શખ્સે ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું
પશ્ચિમ પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબ્જે કર્યો; પાલનપુર શહેરના કોઝી વિસ્તારમાં આવેલ એક હીરાની ફેકટરીમાં તાળું તોડીને ત્રણ કેરેટ હીરા અને એક ચાંદીની ચેઇન મળી કુલ રૂ.1.85 લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી. જેમાં પશ્ચિમ પોલીસની ટીમે સીસી ટીવી કેમેરાની મદદથી ગણત્રીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી હીરાની ચોરી કરનાર હીરાના વેપારીને ઝડપી પાડયો છે.
પાલનપુરમાં ઇદગાહ રોડ પર રહેતા અને કોઝી વિસ્તારમાં ભાડાના મકાનમા હીરાની ફેકટરી ધરાવતા મિનેશભાઇ કમલેશભાઇ શાહની ફેક્ટરીમાં રાતના સમયે કોઈ અજાણ્યા ઇસમે તાળું તોડીને ડ્રોઅરમાં રાખેલ રૂ.1.80 લાખની કિંમતના ત્રણ કેરેટ હીરા અને પાંચ હજારની કિંમતની ચાંદી ચેઇન મળી કુલ.રૂ.1.85 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. જે અંગે વેપારીએ શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ પોલીસની ટીમે સધન તપાસ હાથ ધરી હતી. જેમાં બાતમી તેમજ સીસી ટીવી કેમેરાના આધારે વડોદરાના પાદરા તાલુકાના માસર ગામના તેમજ હીરાનો વેપાર કરતા વેપારી વિશાલ કનુભાઇ પટેલ (લેઉવા) ને ઝડપી પાડી તેની પૂછતાછ કરતા તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરતાં તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

