ડીસા શહેર અને તાલુકાના લોકોને આધાર કાર્ડ અપડેટ કરાવવા હાલમાં સરકારી કચેરીના ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. આધાર કાર્ડ સેન્ટર પર છેલ્લા પાંચ છ દિવસથી લોકોની લાંબી લાંબી લાઈનો લાગી રહી છે.વારે વારે સર્વ ડાઉન છે તેમ કહી લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહયા બાદ પણ છે પરત જવું પડે છે.
અત્યારે દરેક પ્રકારના કામ માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે ત્યારે લોકોને આધાર કાર્ડ નવા બનાવવા તેમજ અપડેટ કરાવવા ડીસા મામલતદાર કચેરી ખાતે લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ડીસામાં એક બે બેન્કોની શાખાઓમાં આધાર કાર્ડ સેન્ટર ચાલે છે જેમાં પણ શનિ-રવિ ની રજા,જાહેર રજા, સહિતના પ્રશ્નોના કારણે લોકો મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલા આધાર કાર્ડ સેન્ટર પર સવારથી જ મોટી સંખ્યામાં ઉભા રહેતા નજરે પડી રહ્યા છે. અત્યારે દરેક શાળાઓમાં આધાર કાર્ડ અપડેટ ફરજિયાત કરી દેવામાં આવી છે. જેના કારણે સવારે 6:00 વાગ્યાથી માંડી સાંજે 5:00 વાગ્યા સુધી મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં અરજદારો પોતાના બાળકો સાથે મામલતદાર કચેરી ખાતે લાઈનોમાં ઉભેલા નજરે પડી રહ્યા છે. દરરોજ માત્ર 30 જ લોકોને ટોકન આપવામાં આવે છે.
જેના કારણે દૂર દૂર ગામોમાંથી આવતા અન્ય લોકોને ધક્કો પડે છે. તો ક્યારેક પ્રિન્ટર બગડેલું હોય કે સર્વર ડાઉન સહિતના અનેક પ્રશ્નોના કારણે લોકોની હાલાકી ઔર વધી જાય છે. દરરોજ 100 થી વધુ લોકોને ધક્કા ખાઈને પરત જવું પડે છે. જેના કારણે હાલમાં અહીં આધાર કાર્ડ કઢાવવા આવતા લોકો રોષ જોવા મળી રહ્યો છે. અરજદારોનું કહેવું છે કે રોજેરોજ હેરાન થાઓ તેના કરતાં સરકાર દ્વારા આધાર કાર્ડ બંધ કરી દેવું જોઈએ
દૂર દૂરથી ગ્રામીણ વિસ્તારમાં અભ્યાસ કરતા બાળકો છેલ્લા પાંચ દિવસથી અહીં મામલતદાર કચેરીમાં સવારથી જ લાઈનોમાં ઊભા રહે છે. વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા કાં તો આધારકાર્ડ શાળામાં જ અપડેટ કરવામાં આવે અથવા મામલતદાર કચેરી ખાતે અન્ય કિટો વધારી આપવામાં આવે.