બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લા તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે વિવિધ જગ્યાઓ પર તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ ધાનેરા શહેરમાં પણ નગરપાલિકા અને પોલીસ તંત્રએ ફટાકડાની 14 દુકાનો તેમજ 5 ગોડાઉનમાં તપાસ હાથ ધરી છે. ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી, રામભાઈ સોલંકી અને પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શહેરના મુખ્ય બજારો, શોપિંગ સેન્ટરો અને ગોદામોમાં તપાસ કરવામાં આવી.
તપાસ દરમિયાન દુકાનદારો પાસે પરવાના ચકાસવામાં આવ્યા હતા અને સુરક્ષા પ્રણાલીઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શહેરી વિસ્તારોમાં જ્યાં જ્યાં ફટાકડાના સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ત્યાં અગ્નિ સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા છે કે કેમ તે અંગે પણ ધ્યાન અપાયું. તંત્ર દ્વારા ખાસ કરીને શોપિંગ સેન્ટરો અને હોસ્ટેલ વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી. શોપિંગ સેન્ટરો અને રહેણાંક વિસ્તારોમાં આગ લાગવા સામે કોઈ સાવચેતી લેવામાં આવી છે કે નહીં તે પણ ચકાસવામાં આવ્યું.
તપાસ દરમિયાન જે દુકાનો કે ગોડાઉન સુરક્ષાના નિયમોનું પાલન કરતા જોવા આવ્યા, તેમને તંત્ર દ્વારા સૂચનાઓ અપાઈ. તેમજ, જ્યાં અનિયમિતતાઓ જોવા મળી ત્યાં દંડાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને પણ સતર્ક રહેવા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી છે. આગામી દિવસોમાં પણ આ તપાસી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે અને જરૂર પડ્યે વધુ કડક પગલાં ભરવામાં આવશે.