બનાસકાંઠા જિલ્લામાં ખાનગી તબીબો દ્વારા દર્દીઓ સાથે ઉઘાડી લૂંટ છતાં જિલ્લા આરોગ્ય તંત્રના મતે ‘સબ સલામત’

બનાસકાંઠા જિલ્લામાં ખાનગી તબીબો દ્વારા દર્દીઓ સાથે ઉઘાડી લૂંટ છતાં જિલ્લા આરોગ્ય તંત્રના મતે ‘સબ સલામત’

બનાસનું આરોગ્ય તંત્ર બીમાર, પ્રજા લાચાર

ગ્રામ્ય વિસ્તારોમાં શેરીએ શેરીએ બોગસ ડોકટરો, છતાં નામ માત્રની કાર્યવાહી કરતું આરોગ્ય તંત્ર

સાહેબ ! ફાર્મા કંપનીઓનાં ગુલામ બની મોંઘી દવાઓ લખનાર તબીબોને અંકુશમાં ક્યારે લાવશો ?

પાલનપુર,ડીસા, થરાદમાં આઇ.સી.યુ.નાં નામે લુંટ ચલાવનાર તત્વો સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં ?

બનાસકાંઠા આરોગ્ય વિભાગની પ્રમાણિકતા ખુદ સવાલોના ઘેરામાં

અગાઉ પણ પૂર્વ જિલ્લા આરોગ્ય અધિકારી પર સાધનોની ખરીદીમાં ગેરરિતીના આરોપો લાગ્યા હતા

બનાસકાંઠા જિલ્લો ભોગૌલિક દ્વષ્ટિએ રાજ્યનો ત્રીજો સૌથી મોટો જિલ્લો છે. જિલ્લામાં અંદાજિત 38 લાખથી વધુ પ્રજાજનો વસવાટ કરે છે. અહી રાજ્યભરમાં સૌથી વધુ 14 તાલુકાઓ અને 1200 થી વધુ ગામડાંઓ આવેલા છે. ખેતી અને ખેત મજૂરી પર નિર્ભર જિલ્લાની 80 ટકાથી વધુ પ્રજા ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે. અહી એક તરફ દાંતા, અમીરગઢ જેવા આદિવાસી વિસ્તારો છે તો બીજી તરફ વાવ, સૂઇગામ જેવા સરહદી વિસ્તારોમાં પ્રજાજનો જીવન ગુજારે છે. તેથી સ્વાભાવિક પણે જ આ જિલ્લામાં ગરીબીનું પ્રમાણ ખૂબ જ વધુ છે. તેવામાં જો યોગ્ય આરોગ્ય સેવા જેવી પાયાની સુવિધા પણ અત્યંત મોંઘી અને સામાન્ય ગરીબની ક્ષમતાથી દુર જતી રહે તો ગરીબ પ્રજાનાં આરોગ્યનું શું થાય? આરોગ્ય વિભાગની કંઇક આવી જ ખરાબ સ્થિતિનો અહેસાસ બનાસકાંઠા જિલ્લાની ગ્રામીણ ગરીબ પ્રજાને લગભગ દરરોજ થતો હોય છે.

સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા, થરાદ જેવા શહેરી વિસ્તારોમાં અત્યાધુનિક સુવિધા સંપન્ન મસમોટી ખાનગી હોસ્પિટલો કાર્યરત છે. જ્યાં મોટાભાગના ખાનગી તબીબો દ્વારા ઈલાજના નામે જાણે ઉઘાડી લુંટ ચલાવાતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે .હોસ્પિટલોમાં ઈલાજનાં નામે થતા લાખ્ખોના ખર્ચ કોઈ સામાન્ય માણસને પરવડે તેવા હોતા નથી. જો કે , હાલમાં પીએમ આયુષમાન કાર્ડ હેઠળ 10 લાખ સુધી વિના મૂલ્યે ઈલાજની સુવિધાઓ દરેક જિલ્લામાં ઉપલબ્ધ છે. પરંતુ, તેમાં પણ ગાયનેક તબીબો સિઝેરિયન ઓપરેશન પીએમ આયુષ્યમાન યોજના હેઠળ કરતા નથી, આ ઉપરાંત અનેક પ્રકારના જરૂરી ઓપરેશન પણ પીએમ આયુષ્યમાન હેઠળ સમાવિષ્ટ નથી. એટલું જ નહિ, સરકાર દ્વારા ખાનગી તબીબોને પણ જનરિક દવાઓ લખવા સરકારે નિર્દેશ કરેલા છે, તેમ છતાં મોટાભાગના ખાનગી તબીબો જનરિકના બદલે બ્રાન્ડેડ દવા લખે છે,પરિણામે દર્દીઓને મેડિકલ સ્ટોર્સમાંથી મોંઘી દવા લેવા મજબુર બનવું પડે છે. આટલું ઓછું હોય તેમ, કેટલાક ખાનગી આઇ.સી.યુ. સેન્ટરોમાં પણ મનફાવે તેટલા ચાર્જ વસૂલી દર્દી અને પરિવારજનોને આર્થિક પાયમાલીમાં ધકેલવામાં આવી રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ આ બધી જ હકીકતો જાણતું હોવા છતાં આંખ આડા કાન કરતું હોવાનું જિલ્લાનાં જાગૃત નાગરિકો માની રહ્યા છે.તેથી ખુદ બીમાર બનેલા આરોગ્ય તંત્રની દવા કરવી સમયનો તકાજો છે.પણ દવા કરે કોણ? એ સો મણનો સવાલ છે.

ખાનગી તબીબોને જનરીકને બદલે બ્રાન્ડેડ દવા લખવામાં વિશેષ રસ; બનાસકાંઠા જિલ્લામાં ખાનગી હોસ્પિટલોનો રીતસરનો રાફડો ફાટ્યો હોય તેમ દરેક વિસ્તારોમાં નીત નવીન હોસ્પિટલના બોર્ડ જોવા મળે છે.સેવાના વ્યવસાય તરીકે જાણીતા મેડિકલ ફિલ્ડમાં કેટલાક ખાનગી તબીબો દર્દીઓ પાસેથી મનફાવે તેટલા નાણાં ઈલાજનાં નામે વસૂલતા હોવાથી સરકારે ખાનગી તબીબોને અમુક માત્રામાં જનરીક દવાઓ ફરજિયાત લખવાના સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. પરંતુ ફાર્મા કંપનીઓને બ્રાન્ડેડ દવાઓના વેચાણથી વધુ નફો થતો હોવાથી આવી કંપનીઓનાં એમ.આર. ડોકટરોને પોતાની કંપનીની દવા (પ્રોડક્ટ) લખવા અનેક પ્રકારની લોભામણી સ્કીમો તેમજ આર્થિક લાભ આપતા હોય છે. આવા લાભની લાલચમાં જિલ્લાના મોટાભાગના ખાનગી તબીબો અત્યારે જનરિકને બદલે બ્રાન્ડેડ દવા લખવાનું જ પસંદ કરી રહ્યા છે. પરિણામે દર્દીઓને મેડિકલ સ્ટોરમાં ખૂબ જ મોંઘા ભાવે દવા લેવા લાચાર બનવું પડી રહ્યું છે.

આયુષ્યમાન યોજના બધી જ ખાનગી હોસ્પિટલ કે બધી જ બીમારીમાં લાગુ પડતી નથી; કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018 થી આયુષ્યમાન ભારત યોજના શરૂ કરાઇ છે. સમગ્ર ભારતમાં લાગુ આ યોજના હેઠળ પહેલા 5 લાખની સારવાર વિનામૂલ્યે થતી હતી, તેની જગ્યાએ અત્યારે 10 લાખ સુધીની સારવાર સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં વિના મૂલ્યે થાય છે. તેમ છતાં બનાસકાંઠા જિલ્લાની દરેક ખાનગી હોસ્પિટલોએ આ યોજના હેઠળ ઈલાજ કરવા સરકાર સાથે એમ.ઓ.યું. કર્યા નથી, તેથી તેવી હોસ્પિટલોમાં દર્દીઓનો વિના મૂલ્યે ઈલાજ થઈ શકતો નથી. એટલું જ નહિ, બીજી તરફ ઘણા એવા અડધું ઘૂંટણ બદલવાનું ઓપરેશન હોય કે કેન્સરની સર્જરીનું ઓપરેશન હોય તે આયુષ્યમાન કાર્ડમાં સમાવિષ્ટ નથી. આ ઉપરાંત મોટાભાગના ગાયનેક તબીબો પણ સીઝેરિયનનું ઓપરેશન આ કાર્ડમાં કરતાં નથી, કારણ કે, કાર્ડમાં નાણાં ઓછા મળે છે અને તે નિયમિત આવતા પણ નથી. આમ, આયુષ્યમાન યોજના હેઠળ બધી હોસ્પિટલોમાં કે બધી જ બીમારીઓમાં વિના મૂલ્યે સારવાર થતી નથી. જે એક સત્ય હકીકત છે.

સરકારી આરોગ્ય કેન્દ્રોમાં તબીબોની ગેરહાજરી તેમજ અનિયમિતતા; બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ સરકારી આરોગ્ય કેન્દ્રોમાં તબીબોની ગેરહાજરી તેમજ અનિયમિતતા ખૂબ જ ચિંતા ઉપજાવનાર બાબત છે. જિલ્લાના મોટાભાગના શહેરી સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ક્યાંક દવાઓનો પૂરતો સ્ટોક હોતો નથી, તો ક્યાંક તબીબો તેમજ નર્સિંગ સ્ટાફનો દર્દીઓ સાથેનો અયોગ્ય વ્યવહાર ચર્ચામાં રહેતો હોય છે. જ્યારે ગ્રામીણ આરોગ્ય કેન્દ્રોમાં નિમણુક પામેલ બોંડેડ તબીબો મોટાભાગે ગેરહાજર રહેતા હોય છે. જ્યારે અન્ય તબીબો પણ ગ્રામીણ પીએચસી, સીએચસીમાં સમય કરતાં મોડા આવતા હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડતી હોય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *