મહેસાણાના વિજાપુરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં, ન્યાની માંગ આઠે રાજ્ય સરકારને આપ્યું આવેદનપત્ર; મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છેલ્લા ઘણા સમયથી વિવાદો વચ્ચે ઘેરાયેલી હોય તેમ જોવા મળી રહ્યું છે. ક્યારેક વિવિધ ખેત પેદાશોના ભાવ બાબતે તો ક્યારેય એના તોલમાપમાં વજન કાપવા બાબતે તો ક્યારેક વચેટિયાઓ દ્વારા ભાવમાં ગાળો રાખી કમિશન ખાવા બાબતે સતત વિવાદ સર્જાતો રહ્યો છે. જેના કારણે હમણાં થોડા દિવસોથી વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નહીં પરંતુ વિવાદ ઉતપન્ન સમિતિ બની ગયું હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.
વિજાપુરના આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચાલતી લાલીયાવાડી બાબતે આજદિન સુધી અનેકોવાર ખેડૂતો દ્વારા લેખિત અને મૌખિક રજુઆતો કરવામાં આવી છે પરંતુ અહીંયા ધરતીના તાતની આ ફરિયાદોને બજાર સમિતિના હોદેદારો જાણે કે ઘોળીને પી જતા હોય તેમ મહેમત મજૂરી કરીને પોતાના પાકમાં પોષણસમ ભાવ મેળવવા માટે ગંજ બજારમાં આવતા ખેડૂતોની કોઈ વાત સાંભળવામાં નથી આવતી કે નથી ખેડૂતોને પાક સામે પોષણસમ ભાવ આપવામાં આવતા. જેના લીધે રજુઆત કરવા માટે વારંવાર ધક્કા ખાતા ખેડૂતોએ હવે આ બાબતે રાજ્ય સરકારની રાહ પકડી વિજાપુર APMC તમાકુ બજારમાં ખેડૂતો સાથે થતા અન્યાય અને ખોટા વજન કાપવાની સમસ્યા સામે તપાસ કરવા અને યોગ્ય ન્યાયની માંગ કરતું આવેદનપત્ર રાજ્ય સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને આપવામાં આવ્યું છે.
વિજાપુર તાલુકાના ખેડૂતો માટે આ બાબત ખૂબ જ મોટી ગંભીર સમસ્યા છે, જે વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તમાકુના વેપાર અને અન્ય પાકમાં ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયને લગતી છે. આ સમસ્યા ઘણા લાંબા સમયથી ચાલી આવે છે જે બાબતે ખેડૂતોએ આ મુદ્દે પહેલાં પણ અરજીઓ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા ન હોવાથી ન્યાયની આશા સાથે ખેડૂતોએ એકત્રિત થઈ આવેદનપત્ર દ્વારા હવે રાજ્ય સરકાર પાસે ન્યાયની આશા વ્યક્ત કરી છે. જે અનુસંધાને વિજાપુર તાલુકાના ફુદેડા ગામના સામાજિક કાર્યકર તરૂણ પટેલ, ભગાભાઈ તથા ભરતભાઈ અને પ્રવીણભાઈએ ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવતા તેમણે વિજાપુર APMCમાં ખેડૂતોને થતા અન્યાય અને વજનમાં કપાતના મુદ્દે નિયામક APMC ડૉ. પ્રતીક ઉપાધ્યાયને ગાંધીનગર તથા ગુજરાત રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ઓફિસે રૂબરૂ જઈને આવેદનપત્ર આપ્યું છે.