રણજી ટ્રોફી 2025-26 સીઝન 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. ઘણા અગ્રણી ખેલાડીઓ પર નજર રાખવામાં આવી રહી છે, પરંતુ કેટલાક ખેલાડીઓ એવા પણ છે જે પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચવા માટે ઉત્સુક રહેશે. આ સીઝનમાં અત્યાર સુધી એલીટ ગ્રુપ મેચોમાં બોલરોએ પ્રભુત્વ મેળવ્યું છે. તમિલનાડુના ડાબોડી ફાસ્ટ બોલર ગુર્જપનીત સિંહ પણ આ યાદીમાં જોડાયા છે, તેમણે નાગાલેન્ડ સામે હેટ્રિક લીધી છે. ગુર્જપનીત સિંહ 2025 IPL સીઝન માટે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ હતા, પરંતુ તેમણે એક પણ મેચ રમી ન હતી.
તમિલનાડુ 2025-26 રણજી ટ્રોફીના એલીટ ગ્રુપ A ની પોતાની બીજી મેચ નાગાલેન્ડ સામે દિમાપુર સ્ટેડિયમ ખાતે રમી રહ્યું છે. પહેલા બેટિંગ કરતા, તેઓએ 3 વિકેટે 512 રન પર પોતાનો પહેલો દાવ જાહેર કર્યો. બીજા દિવસે પ્રથમ બેટિંગ કરતા નાગાલેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી, તેણે 9 રનમાં એક પછી એક ત્રણ વિકેટ ગુમાવી દીધી. ગુર્જપનીત સિંહે ત્રણેય વિકેટ લીધી, જેમાં સેદેઝાલી રુપેરો, હેમ છેત્રી અને નાગાલેન્ડના કેપ્ટન રોંગસેન જોનાથનની વિકેટનો સમાવેશ થાય છે, અને તેની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીની પહેલી હેટ્રિક પણ લીધી. ગુર્જપનીત સિંહે આ સિદ્ધિ ફક્ત તેની આઠમી ફર્સ્ટ-ક્લાસ મેચમાં મેળવી. તે 2018 પછી રણજી ટ્રોફીમાં હેટ્રિક લેનાર તમિલનાડુનો પ્રથમ બોલર બન્યો.
તમિલનાડુના 26 વર્ષીય ડાબોડી ફાસ્ટ બોલર ગુર્જપનીત સિંહ પહેલા, આ સિઝનમાં બે અન્ય બોલરો હેટ્રિક લઈ ચૂક્યા છે, જે બંને સર્વિસિસ ટીમ માટે રમી રહ્યા છે. આ બોલરોમાંથી એક અર્જુન શર્મા છે, જ્યારે બીજો મોહિત જાંગરા છે. અર્જુન અને મોહિતે આ સિદ્ધિ આસામ સામે હાંસલ કરી હતી, જેના પછી સર્વિસિસે માત્ર બે દિવસમાં 8 વિકેટથી મેચ જીતી લીધી હતી.

