થરાદ નગરના હાઇવે વિસ્તારના સોસાયટીઓના રહીશોને વર્ષોથી માંગણી હોવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કોઈપણ કામગીરી નહીં કરાતાં વરસાદ વખતે મુખ્ય હાઇવે પર પાણીનો ભરાવો થવા પામ્યો છે. જેના કારણે એક સાઇડનો વાહન વ્યવહાર બંધ કરવાની પણ ફરજ પડતા શોભા વધારતા નવા રોડ પાછળ ખર્ચાયેલા રૂપિયા પાણીમાં ગયાનો તર્ક પણ લોકોમાં ચર્ચાતો જોવા મળ્યો હતો.
થરાદમાં આશરે 35.88 કરોડના ખર્ચથી પાણીના ટાંકાથી નર્મદા કેનાલ સુધીનો ફોરલેન નવો રોડ બંન્ને બાજુ સર્વિસ રોડ, વચ્ચે ડિવાઇડર અને સર્વિસ રોડ પછી પણ બે બાજુ લોખંડની મજબુત ઝાળીઓ વચ્ચે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે. પરંતુ હાઈવે પર માં હોસ્પિટલ સામેના વિસ્તારમાં પાણીના ભરાવાની સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં નહીં આવતા આ સમસ્યા યથાવત રહેવા પામી છે. અને પરિસ્થિતિ એ છે કે છેલ્લા પડી રહેલા વરસાદમાં અગાઉની જેમ ઢીંચણ સમા પાણીનો ભરાવો થવા પામ્યા છે.
જેના કારણે નાના વાહનો ફસાવવાના બનાવો પણ બની રહ્યા છે. અને પાણીના કારણે નાના વાહનોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે. રોડ ઉપર ભરાયેલા પાણીમાં ડૂબી જાય એટલો ભરાવો થતા વહીવટી તંત્રને હાઇવે ચાર રસ્તા પર ઉભા રહીને એક સાઈડનો વાહન વ્યવહાર કરાવવાની પણ ફરજ પડી હતી. જોકે અગાઉની રહીશોની માંગ અને નગરપાલિકાની ચેતવણી છતાં પણ આરએન્ડબી વિભાગ દ્વારા આખા આડા કામ કરતા આજે નગરના રાહદારીઓ વેપારીઓ અને રહીશો વેપારીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આથી નગરજનોમાં પણ સરકારે એક શુભ આશયથી આપેલા રૂપિયા તંત્રની બેદરકારીને કારણે પાણીમાં ગયા હોવાનો તર્ક પણ ચર્ચાસ્પદ બન્યો હતો.


