ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો : ૩ દિવસમાં એક્ટિવ કેસ ૨૨૩

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો : ૩ દિવસમાં એક્ટિવ કેસ ૨૨૩

અમદાવાદ બન્યું કોરોનાનું હોટસ્પોટ : તબીબોની અપીલ – શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવો
ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ફરી એકવાર ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો બમણો થઈને ૨૨૩ પર પહોંચી ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે, કુલ ૨૨૩ એક્ટિવ કેસ પૈકી માત્ર ૧૧ દર્દીઓને જ હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર પડી રહી છે, જ્યારે બાકીના દર્દીઓ ઘરે જ સ્વસ્થ થઈ રહ્યા છે.રાજ્યમાં સૌથી વધુ દર્દીઓ હાલ અમદાવાદમાં નોંધાયા છે, જ્યાં કુલ ૧૪૫ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. અમદાવાદમાં ૪ દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. જેમાં અસારવા સિવિલમાં ૪૪ વર્ષીય પુરુષ, ૬૭ વર્ષીય મહિલા અને ૮ માસની બાળકીનો સમાવેશ થાય છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાના બે દર્દીઓ સારવાર હેઠળ છે. અહીં એક નવજાત બાળકને NICUમાં ઓક્સિજનની મદદથી સારવાર આપવામાં આવી રહી છે. ગયા સપ્તાહે આ બાળકની માતા પણ કોરોના પોઝિટિવ હતી, જોકે હાલ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ ઉપરાંત, સોલા સિવિલમાં એક ૨૩ વર્ષીય યુવતી પણ કોરોના પોઝિટિવ હોવાથી તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.કોરોનાના તમામ પોઝિટિવ દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવી રહ્યા છે. આનાથી કયો વેરિયન્ટ સક્રિય છે તેની ઓળખ થઈ શકશે. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા હાલ કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.જોકે, ડોક્ટરો દ્વારા સતર્ક રહેવા અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. તબીબોના મતે, જો કોઈને પણ શંકાસ્પદ લક્ષણો જેવા કે તાવ, ઉધરસ, શરદી, ગળામાં દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવી લેવો હિતાવહ છે, જેથી સંક્રમણને વધુ ફેલાતું અટકાવી શકાય અને સમયસર સારવાર શરૂ કરી શકાય.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *