ગુજરાતમાં સગર્ભા માતા-મહિલાઓને પોષણક્ષમ આહાર મળી રહે એ માટે સરકાર દ્વારા “માતૃશક્તિ યોજના”હેઠળ સગર્ભા માતાઓને દર મહિને જરૂરી કીટ આપવામાં આવે છે.પરંતુ મહેસાણા જિલ્લામાં સગર્ભા માતા ઓ ને આ કીટ આપવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે મહેસાણા કોંગ્રેસ દ્વારા આ યોજના ચાલુ કરી સગર્ભા માતા બહેનોને જરૂરી અને પૂરતી કીટ આપવામાં આવે એ માટે આજે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મહેસાણા કોંગ્રેસ દ્વારા આજે હાથમાં ચણાના પેકેટ અને તેલ ની બોટલ સાથે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા કારણ કે મહેસાણા કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે મહેસાણા માં રહેતી સગર્ભા માતા બહેનોને રાજ્ય સરકાર દ્વારા કુપોષણ દૂર કરવા માટે જરૂરિયાત મંદ સગર્ભા માતાઓને પોષણક્ષમ આહાર મળે એ માટે”માતૃશક્તિ યોજના હેઠળ”દર મહિને એક કિલો તેલ, એક કિલો તુવેર દાળ,બે કિલો ચણા આપવાની યોજના હોવા છતાં મહેસાણા માં છ એક માસથી સગર્ભા માતા બહેનોને આ લાભ મળતો નથી તેમજ ત્રણ ત્રણ મહિને સગર્ભા મહિલાઓને માત્ર તેલ જ આપવામાં આવતું હોવાના આક્ષેપ કર્યા હતા અને આવેદનપત્ર આપ્યા હતા.
વધુમાં તેઓએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં અને મહેસાણા જિલ્લામાં સગર્ભા માતા મહિલાઓને આવો અન્યાય કેમ થઈ રહ્યો છે. આ યોજનામાં બાળક બે વર્ષ નું થાય ત્યાં સુધી માતાને લાભ આપવામાં આવતો હતો.આવા અન્યાય ને દૂર કરવા માટે મહેસાણા કોંગ્રેસ દ્વારા કલેકટર ને આવેદનપત્ર આપી આ યોજના હેઠળ બે દિવસમાં જરૂરિયાત સગર્ભા મહિલાઓ ના હિત માં નિર્ણય નહિ લેવામાં આવે તો કોંગ્રેસ”ગાંધી ચીંધ્યા માર્ગે” આંદોલન કરશે.

