અમદાવાદના દંપતિ સામે વધુ ફરિયાદ થાય તેવા એંધાણ: પાલનપુરમાં ભાજપ અગ્રણીની કોલેજ ચલાવવા લીધા બાદ અમદાવાદના દંપતિએ તકરાર થતા ભાજપી નેતા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે ભાજપ અગ્રણીએ પણ અમદાવાદના દંપતિ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ આ દંપતિ સામે વધુ એક બે કોલેજ સંચાલકો ફરિયાદ નોંધાવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
અમદાવાદની મંગલમ વિદ્યાલય હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે નોકરી કરતા ભરતભાઈ બાન્ટયા નામના એક ઇસમે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલી કેટલીક કોલેજોના સંચાલકો સાથે ઘરોબો કેળવી મારી એનસીટીઈમાં મોટી ઓળખાણ છે એવું કહીને તેમની કોલેજના સંકુલમાં બી.એડ. કોલેજો ચાલુ કરાવી આ કોલેજો ના વહીવટમાં નાણાંકીય ગોલમાલ કરી કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાનું સંચાલકોના ધ્યાને આવી જતા આ કોલેજો પૈકીની એક કોલેજ ઉમિયા એજ્યુકેશન બી.એડ. કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ જગાણીયાએ તા. 18.11.2024ના રોજ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ભરતભાઈ બેચરભાઈ બાન્ટયા અને તેમની પત્ની પુષ્પાબેન ભરતભાઈ બાન્ટયા વિરૂધ્ધ રૂપિયા એક કરોડ પચાસ લાખની ઉચાપતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે ફરિયાદ મુજબ, પાલનપુરમાં વિવિધલક્ષી યુવા વિકાસ ટ્રસ્ટ હેઠળ ચાલતી ઉમિયા એજ્યુકેશન બી.એડ. કોલેજનો શૈક્ષણિક વહીવટ ટ્રસ્ટની સંમતિથી ચલાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ જગાણીયાએ ભરતભાઈ બેચરભાઈ બાન્ટયાને ફુલમુખત્યારનામુ કરી આપ્યું હતું. પરંતુ આ ભરતભાઈ બાન્ટયાએ મનસ્વી રીતે શૈક્ષણિક વહીવટ સંભાળી તેમની પત્ની પુષ્પાબેન બાન્ટયાને આચાર્ય ન હોવા છતાં આચાર્ય બનાવી તેમની આચાર્ય તરીકેની ખોટી ઓળખ આપી ઉમિયા એજ્યુકેશન બી.એડ. કોલેજના બેન્ક ખાતામાં આચાર્ય તરીકે નામ દાખલ કરાવી આચાર્ય તરીકેના ખોટા સિક્કા બનાવી તેના દ્વારા કોલેજના બેંક ખાતાના ચેકોમાં સહી કરી લેવડ દેવડ કરી ટ્રસ્ટને અંધારામાં રાખી ટ્રસ્ટ સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી ₹1 કરોડ 50 લાખની ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
કોલેજોના સંચાલનમાં નકલી આચાર્ય કાંડ???
અમદાવાદની હાઇસ્કૂલના આચાર્ય ભરત બાન્ટયા દ્વારા પાલનપુરમાં બી.એડ. કોલેજનું સંચાલન મેળવી પોતાની પત્નીને ખોટી રીતે બી.એડ. કોલેજની આચાર્ય બનાવી કરોડોનું કૌભાંડ આચરાયું હોવાની રાવ ઉઠી છે.
બી.એડ કોલેજનું સંચાલન મેળવનાર ભરત બાન્ટયા અમદાવાદની મંગલમ વિદ્યાલય, સરસપુર ખાતે આચાર્ય તરીકે કાર્યરત છે. ભરત બાન્ટયાએ NCTEમાં ઓળખાણ છે તેવી વાતો કરી પાલનપુરની કોલેજોમાં બી.એડ. કોલેજનું સંચાલન કરવાનું કામ સંભાળી કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાની બુમરાણ મચી છે. ભરત બાન્ટયા એ ભાજપના નેતાઓ સાથેના ફોટા દેખાડી તેમની સાથે નજીકનો સંબંધ હોવાની વાતો વહેતી કરી કોલેજોનું સંચાલન કરવાનું કામ મેળવ્યું હોવાનું બહાર આવ્યું છે.
ત્યારે એક કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાયા બાદ હવે બીજી કોલેજોના સંચાલકો દ્વારા પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.