ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજે પ્રારંભ થયો. બનાસકાંઠા જિલ્લાના બે ઝોનમાં 49,805 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપશે. પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ પહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી, કલેક્ટર અને એસપી સહિત શિક્ષકોએ વિદ્યાર્થીઓનું વિશેષ સ્વાગત કર્યું હતું. તેમને કપાળે કુમકુમ તિલક કરી, ગુલાબ આપી અને સાકરથી મોઢું મીઠું કરાવ્યું હતું.
સુરક્ષાની દૃષ્ટિએ તમામ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. કોઈ અનધિકૃત સાહિત્ય સાથે ન લાવ્યા હોવાની ખાતરી કર્યા બાદ જ તેમને પ્રવેશ અપાયો હતો. જિલ્લાની તમામ પરીક્ષા કેન્દ્રોમાં CCTV કેમેરાની દેખરેખ રાખવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓના બેગ, બૂટ, ચંપલ અને મોજા સહિતની વસ્તુઓ પરીક્ષા ખંડની બહાર રખાઈ છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને મૂકવા આવેલા વાલીઓનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. વાલીઓ પરીક્ષા સમય દરમિયાન પણ કેન્દ્રની બહાર રાહ જોતા રહ્યા હતા. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ રહી છે.