ચીને તેના અવકાશ કાર્યક્રમ અંગે એક મોટી જાહેરાત કરી છે. બેઇજિંગે ગુરુવારે જાહેરાત કરી હતી કે તે 2030 સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓને ઉતારવા તરફ આગળ વધી રહ્યું છે. તેણે અવકાશયાત્રીઓની ટીમનો પણ પરિચય કરાવ્યો જે ટૂંક સમયમાં દેશના અવકાશ સ્ટેશન માટે રવાના થશે.
“હાલમાં, માનવયુક્ત ચંદ્ર મિશન સંબંધિત તમામ સંશોધન અને વિકાસ કાર્યક્રમો સરળતાથી આગળ વધી રહ્યા છે,” ચીનના માનવયુક્ત અવકાશ કાર્યક્રમના પ્રવક્તા ઝાંગ જિંગબોએ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે લોંગ માર્ચ 10 રોકેટ, ચંદ્ર ઉતરાણ સ્પેસસુટ અને સંશોધન વાહનો જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. “2030 સુધીમાં ચંદ્ર ઉતરાણ નિશ્ચિત છે, તેવું તેમણે કહ્યું હતું.
ચીન હવે તેના ટિઆંગોંગ સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓનો એક નવો ક્રૂ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ મિશન ચીનના વ્યાપક અવકાશ કાર્યક્રમનો એક ભાગ છે, જે હેઠળ દરેક ક્રૂ છ મહિના અવકાશ સ્ટેશનમાં વૈજ્ઞાનિક સંશોધન માટે વિતાવે છે. નવા ક્રૂમાં ઝાંગ લુ, વુ ફેઈ અને ઝાંગ હોંગઝાંગનો સમાવેશ થાય છે. ક્રૂ શુક્રવારે રાત્રે ૧૧:૪૪ વાગ્યે (ચીન સમય) જિયુક્વાન લોન્ચ સેન્ટરથી ઉડાન ભરશે.

