રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે. ટ્રમ્પ સરકારે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો છે. આ રીતે, અમેરિકાએ ભારતથી આવતા માલ પર કુલ 50% ટેરિફ લાદ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ આદેશ પર ચીને તીવ્ર પ્રતિક્રિયા આપી છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને અમેરિકાના આ પગલાને વેપાર નિયમોનો દુરુપયોગ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ચીને હંમેશા ટેરિફના દુરુપયોગનો વિરોધ કર્યો છે અને આ અંગે અમારું વલણ સ્પષ્ટ અને કાયમી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર કુલ ૫૦% ટેરિફ લગાવવાની જાહેરાત કરતા કહ્યું છે કે રશિયા પાસેથી તેલ ખરીદવાના મામલે ભારત ચીનની ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં, અમેરિકા આનો સામનો કરવા માટે ગૌણ પ્રતિબંધો તરફ આગળ વધશે. વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “જેમ તમે જાણો છો, અમે રશિયાના તેલ માટે ભારત પર ૫૦% ટેરિફ લગાવ્યો છે. તેઓ રશિયા પાસેથી તેલ ખરીદવામાં ચીનની ખૂબ નજીક છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, જ્યારે ટ્રમ્પને પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે જો રશિયા-યુક્રેન સાથે કરાર થાય તો શું તેઓ ભારત પરથી ટેરિફ દૂર કરી શકે છે? આના પર ટ્રમ્પે જવાબ આપ્યો કે હાલ માટે ભારત 50% ટેક્સ ચૂકવશે, આગળ શું થશે તે જોવામાં આવશે.
જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યું કે ચીન અને તુર્કી પણ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે, તો પછી ભારત સામે આટલી મોટી કાર્યવાહી કેમ? આના પર ટ્રમ્પે કહ્યું, “ભારત પર ટેરિફ લાદ્યાને માત્ર 8 કલાક થયા છે, તમે ભવિષ્યમાં ઘણું બધું જોશો, ગૌણ પ્રતિબંધોનો પૂર આવશે.”

