ધારાસભ્ય પ્રવીણ માળીના હસ્તે જનરલ હોસ્પિટલ ડીસા ખાતે “ખુશીઓનું સરનામું” નામે ‘અનામી પારણું’ ખુલ્લું મુકાયું; બાળકોની સુરક્ષા એ માત્ર એક વ્યક્તિની નહીં, પણ સમગ્ર સમાજની જવાબદારી હોય છે. બાળકો આપણા સમાજનું ભવિષ્ય છે, અને તેમના સુરક્ષિત અને આરોગ્યદાયક વિકાસ માટે હર એક વ્યક્તિ અને સંસ્થા જવાબદાર હોય છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બાળકોની વિશેષ સુરક્ષા અને કાળજી માટે સબંધિત વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
ડીસાના ધારાસભ્યના હસ્તે જનરલ હોસ્પિટલ ડીસા ખાતે “ખુશીઓનું સરનામું” નામે ‘અનામી પારણું’ ખુલ્લું મુકાયું હતું. કોઈ વાલી વારસ દ્વારા તાજા જન્મેલા નવજાત શિશુને કોઈ અવાવરુ સ્થળ પર, ઝાડીમાં કે કચરાપેટીમાં ત્યજી દેવામાં આવે તો તેમની વિરૂદ્ધ કાયદાકીય જોગવાઈઓ તો રહેલી જ છે. આ ત્યજી દીધેલા બાળકને શારીરિક અને માનસિક ઈજાઓ પણ પહોચતી હોય છે.
આવા નવજાત શિશુને કોઈપણ જગ્યાએ નોંધારા ન છોડતા અહીં આ પારણામાં મૂકવામાં આવે એવા ઉમદા વિચારથી આ અનામી પારણું ખુલ્લું મૂકાયું છે. અહીં કોઈપણ મજબૂર માતા પોતાના નવજાત શિશુને મૂકી શકે છે. બાળ સુરક્ષા ટીમ બનાસકાંઠા દ્વારા આ બાળકને કાળજી અને રક્ષણ પૂરું પાડવામાં આવશે. બાળક પારણામાં આવ્યા બાદ જનરલ હોસ્પિટલ ડીસા દ્વારા બાળકના આરોગ્યની કાળજી લેવામાં આવશે. જ્યારે બાળક સ્વસ્થ હશે ત્યારે બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા કચેરી પાલનપુરના સંકલનથી આ બાળકને પાલનપુર ખાતે આવેલ શિશુ ગૃહમાં મૂકવામાં આવશે. અને ત્યારબાદ દત્તક ઇચ્છુક દંપતિ દ્વારા જરૂરી તમામ માપદંડ પૂરા કર્યા બાદ બાળકને કાયદાકીય રીતે દતકમાં આપી બાળકને નવીન જીવન આપવામાં આવશે.