બાળ લગ્ન કરાવનારને બે વર્ષની જેલ અને એક લાખનો દંડ; બનાસકાંઠા જિલ્લામાં અખાત્રીજના દિવસથી બાળ લગ્ન રોકવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 અનુસાર 18 વર્ષથી નાની ઉંમરની યુવતીના લગ્ન કરાવવા એ ગુનો બને છે. આ કાયદા હેઠળ દોષિતોને બે વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયા દંડ થઈ શકે છે.
સરકાર બાળ લગ્ન રોકવા માટે કટિબદ્ધ છે.સમૂહ લગ્નના આયોજકો,સામાજિક આગેવાનો,લગ્ન કરાવનાર,રસોઈયા,મંડપ વાળા,કાજી,અને બેન્ડ વાળા સહિત તમામને આ અંગે સૂચના આપવામાં આવી છે.પ્રયાસ જેક સોસાયટીના બનાસકાંઠા જિલ્લાના સંયોજિકા મેઘાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે અખાત્રીજે વગર જોયા મુહૂર્ત હોવાથી અનેક જગ્યાએ સામાજિક સમૂહ લગ્નો સહિત લગ્ન સમારંભ યોજાવાના હોવાથી વિવિધ ધર્મના આગેવાનો સાથે મળીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાળ લગ્ન મુક્ત ભારત અંતર્ગત પ્રયાસ જેક સોસાયટી CMFI ના બેનર હેઠળ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં બે બાળ લગ્નના કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સગીર યુવક યુવતીના લગ્ન કરાવવા કે કરવા એ પણ કાયદાકીય ગુનો બને છે. જેથી તમામ પક્ષોને સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે.

