એક તરફ બનાસકાંઠા તેમજ રાજ્યભરના 6 થી 14 વર્ષના માસુમ બાળકોનાં ભણતરનું સ્તર દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. જે અંગે ખુદ સરકારી એજન્સીઓના સર્વેમાં પણ સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણતા માસુમ ભૂલકાઓનું શૈક્ષણિક સ્તર 30 ટકાથી પણ નીચું હોવાનું પુરવાર થઈ ચૂક્યું છે. તેમ છતાં આવા બાળકો હજુ પણ નિયમિત ધોરણે શાળાઓમાં આવતા નથી. જ્યારે તંત્ર માત્ર મસ મોટા દાવાઓ કરીને જ સંતોષ માની રહ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો,ગુજરાત રાજ્યની ઉત્તરે અને રાજસ્થાનની દક્ષિણે આવેલ બનાસકાંઠા જિલ્લો અંદાજિત 38 લાખની વસ્તી ધરાવે છે. અહીંની સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજિત પાંચ લાખથી વધુ બાળકો અભ્યાસ કરે છે. જેમાંથી મોટાભાગના બાળકો ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવે છે. પરિણામે કેટલીક વખત જાગૃતતાના અભાવે વાલીઓ બાળકોને શાળાએ મોકલવાને બદલે પોતાની સાથે ખેતરોમાં મજૂરી અર્થે લઈ જાય છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં તો મોટી સંખ્યામાં શ્રમિકોના બાળકો શાળાના સમયે જ જીપોમાં ઘેટાં બકરાની જેમ ભરાઈ ખેતરમાં બાળ મજૂરી અર્થે જતા જોવા મળે છે. તેમ છતાં તંત્ર આ બધો જ તમાશો મુક પ્રેક્ષક બનીને જોતી રહે છે.
સાહેબ ! જો ટાસ્ક ફોર્સની રચના કરેલી છે તો બાળ મજૂરી અટકતી કેમ નથી; રાજ્ય સરકારના બાળ સુરક્ષા અને સલામતી વિભાગ હેઠળ બનાસકાંઠા જીલ્લામાં પણ તંત્રે ટાસ્ક ફોર્સનું ગઠન કરીને બાળ મજૂરી અટકાવવા વ્યવસ્થાપન તંત્ર ઉભુ કર્યું છે. તેમ છતાં જિલ્લામાં દાંતા,અમીરગઢ જેવા અંતરિયાળ તાલુકાઓમાં મોટી સંખ્યામાં બાળકો ખેતરોમાં મજૂરી અર્થે જતાં હોય છે. જગ જાહેર આવી ઘટનાઓ મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોવા છતાં જિલ્લા બાળ સુરક્ષા વિભાગને કે તેની ખાસ ટાસ્ક ફોર્સ ટીમને કેમ દેખાતી નથી ? તે એક વિચારવા જેવી બાબત છે.
વિરમપુરમાં શાળા સમયે જ જીપોની છત પર બેસી બાળ મજૂરીએ જતાં બાળકોને રોકનાર જ કોઈ નથી; દાંતા, અમીરગઢ, વાવ,સૂઇગામ જેવા તાલુકાઓમાં બાળકો કપાસ,બટાકા જેવી સીઝનમાં શાળાએ આવવાને બદલે ખેતરોમાં જઈ બાળ મજૂરીએ જતા હોવાના કેટલીક તસવીરો ‘રખેવાળ’ ને પ્રાપ્ત થવા પામી છે. જેમાં વિરમપુરમાં તો પોલીસ ચોકી તેમજ બસ સ્ટેન્ડ નજીક જ મોટી સંખ્યામાં બાળકો જીપોની છત પર જોખમી રીતે મુસાફરી કરી શાળાને બદલે બાળ મજૂરીએ જતાં જોવા મળે છે. તેમ છતાં નાં પોલીસને દેખાય છે કે ના બાળ મજૂરી પ્રતિબંધક અધિકારીને નજરે પડે છે. ત્યારે હવે તો લોકો સવાલ પૂછવા લાગ્યા છે કે જો સામાન્ય માણસોને બાળકોની આ જોખમી મુસાફરી અને બાળ મજૂરી દેખાતી હોય તો અધિકારીઓને કેમ દેખાતી નથી ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે.
આ મામલે તપાસ કરી યોગ્ય પગલાં લઈશું : ડૉ.આશિષ જોષી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી; આ અંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. આશિષ જોષીએ જણાવ્યું હતું કે, આ મામલે યોગ્ય તપાસ કરાવી જરૂરી પગલા લઈશું. જો એવું જોવા મળશે તો બાળકોનાં વાલીઓ તેમજ ખેતર માલિકો સાથે પણ અલગથી મીટીંગ કરી યોગ્ય કાયદાકીય સમજણ આપવામાં આવશે. અને જરૂર પડશે તો કડક કાયદાકીય પગલાં ભરીશું તેમજ બાળકોને બાળ મજૂરીથી મુક્ત કરાવી તેમના પુનઃવસન તેમજ ભણતર માટે ખાસ તકેદારી લઈશું. જિલ્લામાં બાળ મજૂરી કે બાળ તસ્કરી સહિતની ઘટનાઓ અટકાવવા વિશેષ ટાસ્ક ફોર્સની પણ રચના કરાઈ છે, જેથી જિલ્લામાં ક્યાંય કોઈ બાળક બાળ મજૂરીના ખપ્પરમાં હોમાય નહિ. તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું.