મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો રાજ્ય વ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિ નગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે. તેમણે કહ્યું કે, ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસની ઈચ્છાશક્તિ હોય તો કેવા મોટા બદલાવો લાવી શકાય તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાતે જ્યોતિગ્રામ યોજનાથી સતત વીજળી, સિંચાઈ વ્યવસ્થાપનથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી વગેરે આપીને પુરવાર કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને એક-બે એકર થી શરૂ કરીને આ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારતા જઈ જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વધુને વધુ ધરતીપુત્રો અપનાવે તેવું પ્રેરક સૂચન પણ કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીનું જે અભિયાન ચલાવ્યું છે તેના પરિણામે અત્યાર સુધીમાં રાજ્યના અંદાજે ૯.૮૫ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ ખેતી માટે સિંચાઈ અને વીજળીની મહત્તા વર્ણાવતા એમ પણ જણાવ્યું કે, દિવસે વીજળી આપવાની ખેડૂતતોની માંગણી અંગે રાજ્ય સરકાર આયોજન બદ્ધ રીતે આગળ વધી રહી છે. આગામી ૬ થી ૮ મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવાની નેમ પણ ભૂપેન્દ્ર પટેલે દર્શાવી હતી.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતોના હિતમાં અનેક નિર્ણય લીધા છે. અનેક યોજનાઓ અમલી બનાવી નાણાંકીય સહાય સહિત કૃષિ મેળાઓ થકી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. કૃષિ તજજ્ઞો દ્વારા નવા સંસાધનો, નવા બિયારણો, ખેતીમાં વધુ ઉપજ, ઓછા ખર્ચે થતી ખેતી સહિત પ્રાકૃતિક ખેતીને સરકારે પ્રોત્સાહન આપ્યું છે.
ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવ જાહેર કરીને પડતર કિંમતના ૫૦ ટકાથી વધુ રકમ ચૂકવે છે. તાજેતરમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે. મગફળીની ખરીદી માટે ૧૬૦ ખરીદ કેન્દ્રો ઉભા કરીને ટેકાના ભાવે ખરીદી ચાલું કરી છે. ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા તમામ યાંત્રિક સાધનો પર સહાય આપવામાં આવે છે.