વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ આહવાનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ એવા ‘કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન 2.O’નો મહેસાણા જિલ્લાના દવાડાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. વરસાદી પાણી જ્યાં પડે, જેટલું પડે તેનો સંગ્રહ અને સંચય કરવાનું વડાપ્રધાને દેશવાસીઓને આહવાન કર્યું છે તેને ગુજરાતમાં આ વર્ષે કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન 2.O દ્વારા વ્યાપક પ્રતિસાદ આપવાના નિર્ધાર સાથે આ અભિયાન તા.4 એપ્રિલથી તા. 31 મે 2025 સુધી રાજ્યભરમાં યોજાવાનું છે.
આ કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 અંતર્ગત પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ સુદ્રઢ કરીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના કામોને વેગવાન બનાવવામાં આવશે. આ હેતુસર રાજ્ય સરકારના જળ સંપત્તિ, પાણી પુરવઠા, સરદાર સરોવર નર્મદા નિગમ, ગ્રામ વિકાસ, વન પર્યાવરણ, શહેરી વિકાસ સહિતના વિવિધ વિભાગો તમામ જિલ્લાઓમાં લોકભાગીદારીથી જળસંચયના કામો હાથ ધરાશે. આવા કામોમાં હયાત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ, હયાત જળાશયો, નદીનું ડીસીલ્ટીંગ, હયાત નુકશાન પામેલ ચેકડેમોના રીપેરીંગ, નહેરો તથા કાંસની મરામત, જાળવણી, સાફ સફાઇ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, ખેત તલાવડી, માટીપાળા, ટેરેસ, વનતળાવ, પીવાના પાણીના સ્ત્રોત,ટાંકી,સંપ, ઇન્ટેક સ્ટ્રક્ચર તથા આસપાસની સફાઇ, તળાવોના વેસ્ટ વિયરના રીપેરીંગ, નદીઓના પ્રવાહને અવરોધ રૂપ ગાંડા બાવળ, ઝાડી-ઝાંખરા દૂર કરવા વગેરે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.