ચાણસ્મા શહેરમાંથી ખોરસમ ગામના યુવકની વિમલ ડેરીની કેશનાં રૂ.1.57 લાખ ભરેલી બેગ ગઠિયો ગાડીમાંથી ચોરી ગયો હતો. ગાડીનાં ટાયરમાં પંકચર છે તેમ કહેતાં યુવક ગાડીમાંથી નીચે ઉતરી જોવા જતાં ગઠિયો રૂપિયા ભરેલી બેગ લઈ રફુચક્કર થઈ ગયો હતો. ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામનાં સેંધાજી ગોવીંદજી ઠાકોર તેમની હોન્ડા સિટી ગાડી લઈને ચાણસ્મા અર્બન બેંકમાં વિમલ ડેરીની કેશ ની રોકડ જમા કરાવવા જઈ રહ્યા હતા.તે વખતે ચાણસ્મા શહેરમાં રસ્તામાં એક અજાણ્યા વ્યક્તિએ તેમને ગાડીના આગળના ટાયરમાં પંક્ચર હોવાનું કહેતાં સેંધાજી ગાડીમાંથી ઉતરી ટાયર તપાસવા ગયાં હતાં.
તેમણે જોયું તો ટાયરમાં કોઈ પંક્ચર ન હતું પરંતુ તેઓ પાછા ગાડીમાં આવ્યા ત્યારે બાજુની સીટ પર મૂકેલી રૂ.1,57,000ની રોકડ ભરેલી બેગ ગાયબ થઇ ગઇ હતી. કોઈ ગઠિયો તેમની રૂ1,57,000 ભરેલી બેગ લઈને રફુ ચક્કર થઈ ગયો હતો. બાદમાં સેંધાજી ઠાકોરે ગાડીમાંથી ઉતરી આસપાસમાં તપાસ કરતા બેગ કે અન્ય કોઈ વ્યક્તિ તેમને મળ્યું ન હતું. ચાણસ્મા પોલીસ મથકે સેંધાજી ઠાકોરે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

