જીએસટી નંબર માટે પોઝીટીવ રિપોર્ટ આપવા માંગી હતી લાંચ; પાલનપુરમાંથી સેન્ટ્રલ GST ઓફીસનો CGSTઇન્સ્પેક્ટર રૂ. 2 હજારની લાંચ લેતો એસીબી ના છટકામાં ઝડપાઇ ગયો હતો. GST નંબર મેળવવા પોઝીટીવ રિપોર્ટ કરવા લાંચ માંગનાર સેન્ટ્રલ જી.એસ.ટી. ઇન્સ્પેકટરને લાંચ લેતા રંગે હાથ ઝડપી લઈ પાલનપુર એસીબી એ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ફરીયાદીના પિતાએ ઇ-કોમર્સ ઘંઘો શરૂ કરવા માટે જીએસટી નંબરની જરૂર પડતા ઓનલાઇન અરજી કરી હતી. જે અરજદારની અરજી અન્વયે આક્ષેપિત સેન્ટ્રલ જીએસટી ઓફિસ, પાલનપુર ખાતે વર્ગ-2 અધિકારી તરીકે ફરજ બજાવતા સીજીએસટી ઇન્સ્પેક્ટર હનુમાન પ્રસાદ રામકિશન બૈરવાએ ફરીયાદીને ફોન કરી જીએસટી નંબર બાબતે સ્થળ વિઝીટ કરી વેરિફિકેશન કરવા સારુ અમે આવીએ છીએ તેમ કહી ફરિયાદીનાં ઘરે રૂબરૂ ગયા હતા. જ્યાં વિજીટ કરી ફોટા પાડી પોઝિટિવ રિપોર્ટ આપવા સારું રૂ.૨૦૦૦/- લાંચની ગેરકાયદેસર માંગણી કરી હતી.
જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા ના હોઇ તેઓએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેથી ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. દરમ્યાન આ કામના આરોપી નાઓએ ફરિયાદી સાથે સેન્ટ્રલ જીએસટી ઓફિસની બાજુમાં, શ્રદ્ધા રેસીડેન્સી આગળના જાહેર રોડ ઉપર, ઢુંઢીયાવાડી, પાલનપુર ખાતે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી ઝડપાઇ ગયા હતા. ત્યારે એસીબીએ તેઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

