કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ થી ૪ ટકાનો વધારો થવાની સંભાવના
રક્ષાબંધન પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને વર્તમાન સાતમા પગાર પંચ હેઠળ ઓછામાં ઓછો એક વધુ DA (મોંઘવારી ભથ્થું) મળી શકે છે. હવે જો આપણે ફુગાવાના તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો જુલાઈ ૨૦૨૫માં કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ થી ૪ ટકાનો વધારો થવાની સંભાવના છે. આનાથી દેશના કરોડો કેન્દ્ર સરકારના કર્મચારીઓને રાહત મળશે.
સામાન્ય રીતે મોંઘવારી ભથ્થામાં વધારો વર્ષમાં બે વાર ફેબ્રુઆરી-માર્ચ અને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવે છે જે અનુક્રમે જાન્યુઆરી અને જુલાઈથી લાગુ કરવામાં આવે છે. આનાથી કર્મચારીઓને વધતી જતી ફુગાવાનો સામનો કરવામાં મદદ મળે છે. આ વર્ષે માર્ચમાં ૨ ટકાના વધારા સાથે વર્તમાન મોંઘવારી ભથ્થાનો દર ૫૫ ટકા થયો છે. સરકારી કર્મચારીઓને DA આપવામાં આવે છે જ્યારે પેન્શનરોને DR આપવામાં આવે છે.
કામદારો માટે મોંઘવારી ભથ્થું ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સના આધારે ગણવામાં આવે છે. AICPI-IW ઇન્ડેક્સ દેશના ૮૮ ઔદ્યોગિક કેન્દ્રોમાં ૩૧૭ બજારોમાંથી એકત્રિત કરાયેલા છૂટક ભાવોના આધારે બહાર પાડવામાં આવે છે. દર મહિને શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે જોડાયેલ લેબર બ્યુરો કામદારો માટે ફુગાવો કેટલો વધ્યો છે કે ઘટયો છે તેની માહિતી આપે છે અને પછી તેના આધારે મોંઘવારી ભથ્થું કેટલું વધારવું જોઈએ તે નક્કી કરવામાં આવે છે.

