ભારતનાં ૭૬ મા પ્રજાસત્તાક પર્વની ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રમત ગમત સંકુલ પાંચોટ, મહેસાણા ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને ૭૬મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી બલવંતસિંહ રાજપુતે રમત ગમત સંકુલ પાંચોટ ખાતે ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર એમ નાગરાજન અને પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે જિલ્લાની વિવિધ કોલેજ-સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની જોશભરી પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું. આ ઉપરાંત વિવિધ યોજનાઓની ઝાંખી કરાવતા જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે જિલ્લા કલેકટરને રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે મંત્રી સહિતનાં મહાનુભાવોના હસ્તે જિલ્લાનાં વિવિધ વિભાગનાં અધિકારી, કર્મચારીઓને ઉત્તમ કામગીરી બદલ સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનાં અંતમાં મંત્રી સહિતના મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.