દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પરનો કાયરતાપૂર્ણ હુમલો એક સુનિયોજિત ષડયંત્રનો ભાગ છે. શાલીમાર બાગ સ્થિત મુખ્યમંત્રીના નિવાસસ્થાનમાંથી મળેલા સીસીટીવી ફૂટેજથી સ્પષ્ટ થાય છે કે હુમલાખોરે ઓછામાં ઓછા 24 કલાક અગાઉથી આ હુમલાની તૈયારી શરૂ કરી દીધી હતી. ફૂટેજમાં જોવા મળે છે કે હુમલાખોરે મુખ્યમંત્રીના નિવાસસ્થાનની રેકી કરી, તે સ્થળનો વીડિયો બનાવ્યો અને આયોજનબદ્ધ રીતે હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ વીડિયો પોલીસને સોંપવામાં આવ્યો છે અને આ સંદર્ભમાં સઘન તપાસ ચાલી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે રેખા ગુપ્તા તેમના ઘરે જાહેર સુનાવણી કરી રહી હતી, ત્યારે હુમલાખોર તેમને કાગળ આપવાના બહાને તેમની પાસે આવ્યો અને તેમના પર હુમલો કર્યો. જાહેર સુનાવણીમાં હાજર એક વ્યક્તિએ તેમને થપ્પડ મારી અને વાળ ખેંચવાનો પ્રયાસ કર્યો. આ ઝપાઝપીમાં રેખા ગુપ્તાનું માથું ટેબલના ખૂણામાં વાગ્યું અને તેમને સામાન્ય ઈજાઓ પહોંચી. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે રેખા ગુપ્તા પર હુમલો કરનાર રાજેશ ખીમજી સાકરિયા 41 વર્ષનો છે. હાલમાં સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
૪૧ વર્ષીય રાજેશ ભાઈ ખીમજી ગુજરાતના રાજકોટના રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના એક સંબંધી જેલમાં છે અને તેઓ તેમને મુક્ત કરાવવા માટે અરજી લઈને આવ્યા હતા. હવે દિલ્હી પોલીસે ખીમજી વિશે માહિતી મેળવવા માટે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો છે.

