પાટણની પોકસો કોર્ટે રૂ.55000 નો દંડ અને પિડીતાને એક લાખનું વળતર ચૂકવાનો આદેશ કર્યો
પાટણની સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ બિપીનભાઈ કે.બારોટે અનિલ અમરસિંગ લુહારિયા રે.કઠલાલ તા.ખેડાને દોષિત ઠેરવીને મુખ્ય સજા તરીકે 10 વર્ષની સખ્ત કેદની સજા અને કુલે રૂ.55000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સખ્ત કેદની સજા ભોગવવાનો આદેશ કર્યો હતો.આઇપીસી 363 અને 366 અંતર્ગત રૂ.5000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજા ફટકારી હતી.ભોગ બનનારને એક લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.આ કેસમાં સરકારી વકીલ જિતેન્દ્ર જે.બારોટે રજુઆત કરી હતી કે,જયારે ભોગ બનનાર સગીર વયની છે અને સગીરા સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યુ છે. તેનાં કારણે તેને ખૂબ જ શારિરીક તકલીફોનો સામનો કરવો પડ્યો છે.
જ્યારે ભોગ બનનાર ઉપર થયેલ બળાત્કારનો ગુનો પૂરવાર થતો હોય ત્યારે અદાલતે હળવું કે કુણું વલણ અખત્યાર કરવું જોઇએ નહિં. સમાજમાં ખાસ કરીને સગીર બાળાઓ સાથે પ્રેમની લાલચ આપીને ભગાડી જઇને દુષ્કૃત્યનાં કિસ્સા ખૂબ જ વધતાં હોય ત્યારે આરોપીને દાખલો બેસાડે તે રીતેની મહત્તમ સજા કરવા અને મહત્તમ વળતર અપાવવા રજૂઆત કરી હતી.પાટણની સ્પે. પોસ્કો કોર્ટનાં જજે બન્ને પક્ષો ની રજૂઆતો સાંભળી પોતાનાં 27 પાનાંના ચુકાદામાં જણાવ્યુ કે, ભોગ બનનાર સગીરા હતી અને તે સંમતિ આપવાને લાયક ન હતી.તે તેનું સારૂં નરસું વિચારી શકે તેમ નહોતી. આરોપી ભોગ બનનારની ઉંમર જાણતા હોવા છતાં ભોગ બનનારને તેનાં કાયદેસરનાં વાલીપણા માંથી દૂર કરેલી છે.અને અન્ય સ્થળોએ લઈ જઈને આરોપીએ તેની સાથે દુષ્કર્મ કરેલું છે.તેથી આરોપી દયાને પાત્ર જણાઇ આવતા નથી.
ચાણસ્મા તાલુકાનાં એક ગામની સગીરા અને તેની બહેન સાતેક વર્ષ પૂર્વે તેની બીજી બહેન સાથે લાકડાં લેવા ગયેલી તે પછી સગીરા ગુમ થતાં તેની શોધખોળ કરતા તેનો પત્તોન મળતાં તેમના પરિવારે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.કિશોરીની શોધખોળ દરમ્યાન ચાણસ્મા તાલુકાનાં ગોરાદ રોડ પર ફાટક નજીક રીક્ષા લઇને ઉભેલા ઉપરોકત આરોપી અનીલને જોઈને પરિવારે બુમો પાડતાં તે નાસી ગયો હતો. પછી, પરિવારે કિશોરીની શોધખોળ ચાલુ રાખતાં તેનો પત્તો ન મળતાં ફરિયાદ કરી હતી. જેની તપાસ દરમ્યાન કઠલાલ ખાતેથી કિશોરી મળી આવી હતી.તેની પૂછપરછમાં તેણે આરોપી સાથે અલગ અલગ જગ્યાએ રહી હતી અને પાવાગઢમાં એક નાના મંદિરમાં આરોપીએ તેને મંગળસૂત્ર પહેરાવી અને માથામાં સિંદુર ભરીને લગ્ન કર્યા હતા અને આરોપીએ તેની સાથે અનેક વાર દુષ્કર્મ આચર્યુ હોવાનું જણાવતાં તેની સામે પોલીસે પોકસોની કલમોનો વધારો કરીને અટકાયત કરી હતી. જે કેસ ચાલી જતાં કોર્ટે તેને આ સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.

