નાના ગામનું મોટું કામ: 4 યુગલો એ પ્રભુતામાં પગલાં પાડયાં:10 દીકરીઓના જીયારાના આણા અને 2 બાબરી સહિત 16 પ્રસંગ એક સાથે યોજાયા હાલના સમયમાં દરેક સમાજ માં સામાજિક ખર્ચાઓ કઈ રીતે ઘટાડી શકાય તે માટે જાગૃતતા આવી રહી છે. દિવસે દિવસે વધતી મોંઘવારી અને આ મોંઘવારીમાં સામાજિક ખર્ચાઓને પહોંચી વળવા માટે હવે અનેક સમાજો દ્વારા સમૂહ લગ્ન સહિત બીજા પ્રસંગો પણ સાથે યોજવામાં આવી રહ્યા છે. સમુહ લગ્ન યોજવાથી ઘણા આર્થિક ફાયદાઓ પણ થાય છે. સમુહ લગ્નના કારણે ખર્ચમાં પણ મોટો ઘટાડો જોવા મળતો હોય છે. જેનો લગ્ન કરાવતા પરિવારોને પણ ફાયદો થતો હોય છે. ત્યારે આજે વડગામ તાલુકાના પેપોળ ગામે ચૌધરી સમાજ દ્વારા એક સાથે 16 પ્રસંગ યોજવામાં આવ્યા હતા. જેમાં 4 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. 10 જીયારા ના આણા તેમજ 2 બાબરીના પ્રસંગો યોજાયા હતા. ત્યારે આ નાના ગામના મોટા કામ ને લોકોએ બિરદાવ્યું હતું.
પેપોળ ગામે યોજાયેલા આ પ્રસંગમાં ગામના વડીલો યુવાનો દ્વારા છેલ્લા કેટલાય દિવસ થી મહેનત થકી સુચારુ આયોજન કરાયું હતું. 8 હજાર જેટલા લોકો માટે જમવાની ચા પાણી સહીત બેઠક વ્યવસ્થા માટે અલગ અલગ વ્યવસ્થાઓ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર પ્રસંગ પ્લાસ્ટિક મુક્ત યોજવામાં આવ્યો હતો. ક્યાંય પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ત્યારે ગ્રામજનો દ્વારા સમૂહ લગ્ન તેમજ અન્ય પ્રસંગો સાથે 16 જેટલા પ્રસંગો એક સાથે યોજી હાલનાં સમયની માંગ સાથે અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી હતી.