ડીસાના જુનાડીસા ખાતે પ્રાણી સંગ્રહાલય બનાવવાની બજેટમાં જાહેરાતના પગલે લોકોમાં ઉત્સાહ
ડીસા તાલુકાના જુનાડીસા ગામે વાસણા રોડ પર આવેલી જગ્યામાં વિશાળ પાણી સંગ્રહાલય બનાવવા રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી અપાયા બાદ ગુરુવારે ગુજરાત સરકારના બજેટમાં સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. જેના પગલે રોજગારીની તકો વધવા સાથે આ વિસ્તારનો પણ વિકાસ પણ થશે એમ લોકોએ જણાવી ખુશી વ્યક્ત કરી હતી.
રાજ્ય સરકારના ગુરુવારના બજેટમાં ઉત્તર ગુજરાતને સૌથી મોટી ભેટ મળી છે. બનાસકાંઠાના તાલુકા મથક ડીસાના જુનાડીસા નજીક રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવાનું છે. અહીં અમદાવાદના કાંકરિયામાં આવેલા પ્રાણી સંગ્રહાલય કરતા પણ મોટું સંગ્રહાલય બનવાનું છે. વન વિભાગ દ્વારા પ્રાણી સંગ્રહાલયને લઈને છ માસ અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી હતી. જુનાડીસા ગામે વાસણા રોડ પર 450 વીઘા જમીનમાં વિશ્વકક્ષાએ જેની નોંધ લેવાય તેવું રૂપિયા 300 કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય બનવાનું છે. બનાસકાઠાના પટ્ટામાં અનેક પ્રવાસન સ્થળો આવે છે. જેમાં નજીક જિલ્લા મથક પાટણની ઐતિહાસિક રાણકી વાવ, તેમજ યાત્રાધામ અંબાજીથી લઈને જેસોર રિંછ અભ્યારણથી છેક નડાબેટ સુધી બોર્ડરનો વિકાસ થઈ રહ્યો છે. જેમાં પણ હવે ડીસામાં પ્રાણી સંગ્રહાલય બનાવવાની રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ બજેટમાં જાહેરાત કરી છે. આજના બજેટમાં વન અને પર્યાવરણ વિભાગમાં કુલ રૂપિયા 3140 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામોની જોગવાઈ કરાઈ છે. તેમાં જુનાડીસાના પ્રાણી સગ્રહાલયને પણ આવરી લેવામાં આવ્યું છે. વિશ્વ કક્ષાનું પ્રાણી સઁગ્રહાલય બનવાની વાતને લઇ જુનાડીસા, વાસણા સહિત ડીસા પંથકના લોકોમાં ભારે ઉત્સાહ સાથે આનંદ છવાયો છે.
આ વિસ્તારનો વિકાસ થશે; આ બાબતે વાસણા ગામના માજી સરપંચ લખીરામભાઈ જોશીએ જણાવ્યું હતુ કે અહીં પ્રાણી સંગ્રહાલય બનવાથી આ વિસ્તારમાં રોજગારી વધશે.આ વિસ્તારમાં જમીનોના ભાવ વધશે.દેશ- વિદેશના પર્યટકો આવતા આર્થિક રીતે આ વિસ્તારનો ખુબ જ વિકાસ થશે.
ગૃહ મંત્રી અને ભાજપ સરકારનો આભાર; આ બાબતે સ્થાનિક વેપારી હસમુખભાઈ મોદીએ જણાવ્યું હતું કે,જુનાડીસા ખુબજ જૂનું ગામ છે. આ વિસ્તારમાં પ્રાણી સઁગ્રહાલય બનશે તો આસપાસના ગામોનો વિકાસ થશે અને સ્થાનિક લોકોને રોજગારી મળશે. ભાજપ સરકાર અને જુનાડીસાના વતની રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો આ નિર્ણય બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
દેશ- વિદેશના પર્યટકો આવશે; આ બાબતે જુનાડીસાના સ્થાનિક સતારભાઈ સુમરાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારનો આ નિર્ણય ખૂબ જ આવકાર દાયક છે. અહીં દેશના તેમજ વિદેશના પર્યટકો આવતા નવી હોટલો -મોલ ખુલશે તેથી સ્થાનિક લેવલે રોજગારી વધશે અને આ વિસ્તારનો વિકાસ થશે.