છઠ્ઠા દિવસે રાજ્ય કક્ષાના અશ્વ મેળાની મોજ માણવા જનમેદની ઉમટી પડી, બુઢેશ્વર મહાદેવ મંદીર ખાતે ૫૧ હજાર દિવડાની ભવ્ય મહા આરતી થસે; મેળાના રશીકોએ આનંદ મેળાની મોજ માણી: મેળાના છઠાં દિવસે મિસીસ ઇન્ડીયા કવીન સિદ્ધિ જોહરી પણ મહેમાન બન્યા હતા અને મેળા સમિતી દ્વારા એમનું સાફો અને અશ્વની પ્રતિમા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામના બુઢેશ્વર મહાદેવ મંદિરે સાત દિવસીય અશ્વ મેળો અંતિમ ચરણમાં પહોંચ્યો છે. જેમાં જાતવાન અને પાણીદાર અશ્વોની કમાલ અને આનંદ મેળાની મોજનો રોમાંચ પરાકાષ્ટા વટાવી ગયો છે.આ મેળામાં ભાગ લેવા આવેલ ગુજરાત,કાઠિયાવાડ, પંજાબ અને રાજસ્થાનના પાણીદાર અશ્વોની વિવિધ કરતબો સાથે પોલીસ દળના અશ્વો પણ પોતાની દિલધડક કરતબો બતાવી રહ્યાં છે. તેથી લાખણી તાલુકાનું નાનકડું એવું જસરા ગામ બુઢેશ્વર મહાદેવ મંદિરના ‘ઓમ નમ: શિવાય’ ના નાદ અને અશ્વોની હણહણાટીથી ગૂંજી ઉઠ્યું છે. આજે છઠ્ઠા દિવસે પોલીસ અશ્વ દળના ઘોડાઓ દ્વારા અશ્વનું પ્રદર્શન ટેંટ પેગીંગ, જમ્પીંગ જેવા શો યોજાયા હતાં. પ્રદર્શનમાં ભાગ લેવા આવેલા અશ્વોએ આજે રેવાળ, પાટીદોડ અને નાચ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યાં હતા.મેળાની મોજ માણવા દૂરદૂરથી જનમેદની મોટી સંખ્યામાં ઉમટી પડી હતી.
આજે ૫૧ હજાર દીવડાની મહાઆરતી; આજે સાતમા અને અંતિમ દિવસે મહા શિવરાત્રિ નિમિત્તે મેળો માણવા આવનાર દરેક ભાઈ -બહેનોને બપોરે પ્રસાદમાં શકરીયાનો શીરો અને બટાકાની ભાજી આપવામાં આવશે અને રાત્રે બુઢેશ્વર મહાદેવની એકાવન હજાર દીવડાની મહા આરતી કરવામાં આવશે.ત્યારબાદ વિજેતા અશ્વ સવારોને ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા બાદ લોક મેળાની પૂર્ણાહુતિ થશે.તેમ આયોજકોએ જણાવ્યું હતું. મેળાના છઠાં દિવસે મિસીસ ઇન્ડીયા કવીન સિદ્ધિ જોહરી પણ મહેમાન બન્યા હતા અને મેળા સમિતી દ્વારા એમનું સાફો અને અશ્વની પ્રતિમા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.