30718 વિદ્યાર્થીઓ 40 કેન્દ્રો પર શાંતિપૂણૅ રીતે પરીક્ષા આપી શકે તે માટે વહીવટીતંત્રે તૈયારીઓ પૂર્ણ કરી
વિદ્યાર્થીઓ માટે સવારે 7-00 થી રાત્રે 8-00 સુધી કંટ્રોલ રૂમ કાર્યરત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા ધો. 10 (S.S.C.) તથા ધો. 12 (H.S.C.) સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ (રીપીટર/પૃથ્થક/ખાનગી ઉમેદવારો સહિત) ની બોર્ડ પરીક્ષાઓ તા. 26 ફેબ્રુઆરીથી તા.18 માચૅ દરમિયાન યોજાનાર છે. પાટણ જિલ્લામાં કુલ 30718 વિદ્યાર્થીઓ માટે 40 પરીક્ષા કેન્દ્રો પર સુચારુ આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિર્ભય તથા પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. ધોરણ 10 માટે જિલ્લામાં 22 કેન્દ્રો પર 18630 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 14 કેન્દ્રો પર 10367 તથા વિજ્ઞાન પ્રવાહ માટે 4 કેન્દ્રો પર 1721 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
પરીક્ષાના સંચાલન માટે એસ.એસ.સી.માં 2 ઝોન અને એચ.એસ.સી.માં 1 ઝોન રચી સુવ્યવસ્થિત દેખરેખની વ્યવસ્થા કરવામાં આવી છે.પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી અને આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે તમામ કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ, સીસીટીવી દેખરેખ તેમજ તજજ્ઞો દ્વારા કાઉન્સેલિંગ સેન્ટરની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા દિવસે હોલ ટિકિટ સાથે સમયસર કેન્દ્ર પર હાજર રહેવું તથા ઉતાવળ અને ગેરસમજ ટાળવી તે માટે ખાસ અનુરોધ કરવામાં આવે છે.વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા જરૂરી માહિતી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પાટણ દ્વારા સરકારી શ્રીમતી કે.કે. ગર્લ્સ હાઇસ્કૂલ, ભદ્ર, પાટણ ખાતે સવારે 7 થી રાત્રે 8 સુધી કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે, જેના માટે સંપર્ક નંબર (02766) 231037 ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.

