ટ્રાફિકમાં વિદ્યાર્થીઓ અટવાય તો પોલીસ મદદરૂપ બનશે:- એસ.પી; એસ.એસ.સી અને એચ.એચ.સી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં બનાસકાંઠા માંથી પરિક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. દરમિયાન, પાલનપુર ખાતે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકે પરિક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં ધો.10ના 49,805 અને ધો.12ના 29,423 મળી કુલ 79,228 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. ત્યારે પ્રથમ દિવસે પાલનપુરની આદર્શ વિદ્યાલય ખાતે જિલ્લા કલેકટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી હિતેશ પટેલ, શાળાના ટ્રસ્ટી વિરજીભાઈ જુડાલએ પરિક્ષાર્થીઓને ગુલાબના ફૂલ આપી મોં મીઠું કરાવી શુભેચ્છા ઓ પાઠવી હતી. બોર્ડના વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલ નિર્ભય બની શાંત ચિત્તે પરીક્ષા આપે તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. ત્યારે પાલનપુર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ થયો છે.
ટ્રાફિકજામમાં પોલીસ છાત્રોને મદદરૂપ બનશે; પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા વચ્ચે કોઈ વિદ્યાર્થી અટવાઈ ન જાય તે માટે જરૂર પડે પોલીસ, પરિક્ષાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચાડે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી હોવાનું એસ.પી.અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું.
પ્રથમવાર પરીક્ષા આપતા છાત્રોમાં અદમ્ય ઉત્સાહ; જોકે, પ્રથમવાર એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલી છાત્રાઓમાં પણ અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, ગુજરાતીનું પેપર સરળ નીકળતા પરિક્ષાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી.