ડીસાના સોની બજાર વિસ્તારમાં આવેલા ગોલ્ડન માર્કેટના ત્રીજા માળે આવેલી એક સોનીની દુકાનમાં ગઇકાલે સવારે અચાનક બ્લાસ્ટ થયો હતો, જેમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ગઇકાલે સવારે જ્યારે આ દુકાનમાં કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે દુકાનમાં ભારે નુકસાન થયું છે. બ્લાસ્ટ થતાં જ આગ ફાટી નીકળી હતી, જેના કારણે બે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગને સમયસર કાબૂમાં લઈ લેવાઈ હતી, ઇજાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ જામી હતી, જેથી પોલીસે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. હાલમાં પોલીસે બ્લાસ્ટનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અનુમાન મુજબ, આ બ્લાસ્ટ કોઈ ગેસ સિલિન્ડર લીક થવા અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામીને કારણે થયો હોઈ શકે છે. પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

