વાવમાં પૂર્વ સરપંચનું બ્રહ્માસ્ત્ર : ‘બટેંગે તો કટેંગે’
કૉંગ્રેસની મુંઝવણ વધતાં સાંસદ ગેનીબેન અને ગુલાબસિહ – ઠાકોર, દલિત અને ઇતર સમાજના સહારે
આવતીકાલ 11 નવેમ્બરના રોજ સાંજે વાવ પેટા ચૂંટણી પ્રચારના પડઘમ બંધ થઈ જશે. તે પહેલાં ભાજપે વાવ બેઠક ઉપર માસ્ટર સ્ટોક લગાવી આબાદ દાવ ખેલ્યો છે. ભાજપની જીત માટે ચૌધરી સમાજના 49 હજાર મતો નિર્ણાયક છે. તેમાં પણ મારવાડી સમાજના 25 ટકા અને દેશી પટેલ સમાજના 75 ટકા મતો છે.
જેમાં મારવાડી સમાજના મતોને બાદ કરતાં દેશી સમાજના મતો કવર કરવા ગુજરાત પ્રદેશ ભાજપ મોવડી મંડળે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ અને વર્તમાન વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને જવાબદારી સોંપી દબાણ પણ વધાર્યું હોવાનું સરહદી પંથકમાં ચર્ચાના ચગડોળે ચડ્યું છે. જેથી દેશી પટેલ સમાજના મતો જે અપક્ષમાં હતા તેનું ભાજપમાં ધ્રુવીકરણ થવાની શકયતા ઉજળી બની છે. પરંતુ અપક્ષ ઉમેદવાર પોતે જીતનો દાવ સમાજ ઉપર લગાવી ભારે દબાણ કરી રહ્યા છે.
તે દરમિયાન અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલના ખાસ સાથી મિત્ર એવા પૂર્વ સરપંચ અને સરહદી પંથકમાં તબીબના વ્યવસાય સાથે જોડાયેલા ઈશ્વરભાઈ ચૌધરીએ વાવ તાલુકાના ટોભા ગામે આયોજીત ભાજપની સમાજની સભામાં બ્રહ્માસ્ત્ર છેડયું હતું કે, ‘બટેંગે….તો…કટેંગે….’ જે નિવેદન સમજુ અને શિક્ષિત પટેલ સમાજને ભાજપ તરફી ઈશારો કર્યો હોવાનું જણાતા અપક્ષના દેશી પટેલ મતોનું ભાજપમાં ધ્રુવીકરણ થાય તો ભાજપ માટે જીતની આશા ઉજ્જવળ છે….!!
ભાજપનો આ માસ્ટર સ્ટોક જોઈ મહિલા સાંસદ ગેનીબેન ઠાકોર,દલિત નેતા જીજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિહ રાજપુતે ઠાકોર, દલિત અને ઇતર સમાજ ઉપર વધુ તાકાત લગાવી દીધી છે.જો કે ભાજપે જીત કરતાં પોતાની પ્રતિષ્ઠા બચાવવા મરણીયો પ્રયાસ કરી દીધો છે.ત્યારે સાંસદે પોતાનું કદ ન ઘટવા દેવા તેમજ પોતાનો કોલર ઉંચો રાખવા પુરી તાકાત લગાવી દીધી છે.
ઉમેદવાર ગુલાબસિહ રાજપૂતે પોતાની હોમ પીચ ઉપર પોતાનું સ્વમાન બચાવવા એડી ચોટીનું જોર લગાવી દીધું છે.પરંતુ હવે 13 નવેમ્બરે મતદાન બાદ 23 નવેમ્બરે મત ગણતરી પછી ખબર પડે કે કોન… કિતના…પાની… મેં ? હાલ તો સમગ્ર સરહદી પંથકમાં રાજધાની ગાંધીનગરના નેતાઓએ ધામા નાખી દીધા છે.તેથી શિયાળાની ઓછી ઠંડી વચ્ચે પણ પંથકમાં રાજકીય ગરમાવો ચરમ સીમા વટાવી ગયો છે.
વહીવટી તંત્ર ખડેપગે: વાવ વિધાનસભા મત વિસ્તારમાં વાવ તાલુકાના 80, ભાભર તાલુકાના 54, સુઇગામ તાલુકાના 44 અને સાંતલપુર તાલુકાના એક કેસરગઢ ગામ મળી કુલ 179 ગામોનો સમાવેશ થાય છે. જેથી વહીવટી તંત્ર દ્વારા આ ગામોમાં 321 મતદાન બુથો ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં મતદાન માટે અધિકારી અને કર્મચારીઓ મળી કુલ 1924 સ્ટાફ ફાળવાયો છે. તે સિવાય શાંતિપૂર્ણ માહોલમાં મતદાન માટે પૂરતો પોલીસ સ્ટાફ પણ ફાળવાયો હોવાનું ના.ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.તેથી મતદાનનો દિવસ નજીક આવતા વહીવટી તંત્ર ખડેપગે થઈ ગયું છે.