પાલનપુરમાં સફાઈના મુદ્દે ભાજપમાં ઘમાસાણ; સફાઈ કામગીરીમાં કૌભાંડ અંગે પાલિકા પ્રમુખને સસ્પેન્ડ કરવાની માંગ

પાલનપુરમાં સફાઈના મુદ્દે ભાજપમાં ઘમાસાણ; સફાઈ કામગીરીમાં કૌભાંડ અંગે પાલિકા પ્રમુખને સસ્પેન્ડ કરવાની માંગ

પાલિકા પ્રમુખ સામે ખુદ ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખે કરી ફરિયાદ

કોન્ટ્રાકટર સાથે પાલિકા પ્રમુખે સાંઠગાંઠ કરી લાખો રૂપિયાનું કૌભાંડ આચરાયું હોવાની રાવ; ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકામાં સફાઈ પાછળ મહિને દહાડે લાખો રૂપિયાનું આંધણ થવા છતાં પાલનપુરમાં ઠેરઠેર ગંદકી જોવા મળી રહી હોવાની બુમરાણ મચી છે. ત્યારે સફાઈ મુદ્દે ભાજપમાં જ ઘમાસાણ થતા ખુદ ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખે જ વર્તમાન પાલિકા પ્રમુખ સામે સફાઈમાં કૌભાંડ આચરવા મુદ્દે મ્યુનિસિપાલટી એડમિનિસ્ટ્રેશન કમિશ્નરને લેખિત ફરિયાદ કરી છે. જેમાં વર્તમાન પ્રમુખને ગુજરાત નગર પાલિકા અધિનિયમ 1963 ની કલમ 37 મુજબ પાલિકા પ્રમુખ પદેથી અને સભ્યપદેથી સસ્પેન્ડ કરવાની માંગ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ જોશી(દાઢી) એ ખુદ ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના વર્તમાન પ્રમુખ ચીમનલાલ સોલંકી સામે સનસનીખેજ આક્ષેપો કરતા ભાજપ છાવણીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાલિકાના પૂર્વ પ્રમુખે મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરીના કમિશ્નરને કરેલી ફરિયાદ મુજબ, પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી દ્વારા રોડ રસ્તાના સફાઈના કોન્ટ્રાકટર દરબાર વેસ્ટ કોર્પોરેશન સાથે સાંઠગાંઠ કરી સફાઈની કામગીરીમાં ખોટા બિલો ઉધારીને લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. જેથી તેઓને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1976 ની કલમ 37 મુજબ પાલિકા પ્રમુખપદેથી અને સભ્ય પદેથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.

કૌભાંડની મુદ્દાવાઇઝ રજુઆત પર એક નજર; પાલનપુર નગરપાલિકા દ્વારા ડિસેમ્બર ૨૦૨૩માં ટેન્ડર બહાર પાડવામાં આવેલ. તેમાં અનુક્રમ નંબર (૧) કામનું નામ તેમાં લખેલ છે કે, અલગ અલગ રોડ દરરોજ ડિવાઇડર સાથે બન્ને સાઈડના ફૂટપાથ સાથેના રોડ એક વખત સફાઈ કરી કચરો પ્રોસેસિંગ સાઇટ ઉપર પરિવહન કરવાના એક કિલોમીટરના ભાવ જરૂરિયાત મુજબના સાધનો અને મેનપાવર એજન્સી એ મૂકવાના રહેશે. અને દરરોજ રોડ સ્વીપર થી બ્રસિંગ કરી સફાઈ કરવાની રહેશે તેવું લખેલ છે. પરંતુ રોડ સ્વીપર થી સફાઈ મહિનામાં ફક્ત એક જ દિવસ કરવામાં આવે છે આ શરતનો ભંગ કરી કૌભાંડ આચરવામાં આવેલ છે.

(૨) અલગ અલગ રોડ દરરોજ ફૂટપાથ/ ડિવાઇડર સિવાયના રોડ એક વખત સફાઈ કરી કચરો પ્રોસેસિંગ સાઇટ ઉપર પરિવહન ભરવાના ૧ કિલો મીટરના ભાવ જરૂરિયાત મુજબના સાધનો અને ઓલ મેનપાવર એજન્સીએ મૂકવાના રહેશે અને એકોત્રે રોડ સ્વીપર થી બ્રશિંગ કરી સફાઈ કરવાની રહેશે.આ શરતનો પણ ભંગ થાય છે મહિનામાં ફક્ત એક જ દિવસ રોડ સ્પીપરનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.

(3) અલગ અલગ રોડ એકોત્રે ફૂટપાથ/ ડિવાઇડર સિવાયના રોડ એક વખત સફાઈ કરી કચરો પ્રોસેસિંગ સાઈટ ઉપર પરિવહન ભરવાના ૧ કી.મી ભાવ જરૂરિયાત મુજબના સાધનો અને ઓલ મેન પાવર એજન્સી એ મૂકવાના રહેશે અને રોડ સ્વીપર થી બ્રશિંગ કરી સફાઈ કરવાની રહેશે. આ શરતનો પણ ભંગ થાય છે મહિનામાં એક જ વખત રોડ સ્વીપરથી સફાઈ કરવામાં આવે છે

(૪) દરબાર વેસ્ટ કોર્પોરેશન તારીખ ૦૧/૦૨/૨૦૨૪ થી ૨૯/૦૨/૨૦૨૪ સુધીના રજૂ કરેલ બિલ નંબર (૧) માં રોડ બ્રશિંગ સ્કેપિંગ વિથ ડીવાઈડર ૫.૨૩ કિલો મીટર ની રકમ રૂપિયા ૫,૩૮,૪૨૮ (૨) રોડ બ્રશિંગ /સ્કેપિંગ ડિવાઇડર વગર ૧૧.૪ કિલો મીટર ની રકમ રૂપિયા ૯,૦૯૧૫૦ (૩) રોડ બ્રશિંગ/ સ્કેપિંગ વિધાઉટ ડિવાઇડર ૧૧.૧૯ કિલો મીટર ની રકમ રૂપિયા ૪,૩૦,૮૧૫ આમ કુલ રકમ રૂપિયા ૧૮,૭૮,૩૯૩ નું બિલ રજૂ કરેલ છે. જે બિલની સાથે ૧૬.૬૩ કિલોમીટરના રોજે રોજ રોડ સ્વીપર અને લેબર મજૂરથી જાહેર માર્ગ ના રોડ સાફ-સફાઈ કરવા માટેના વિસ્તાર દર્શાવેલ છે. પરંતુ આ ૧૬.૬૩ કિલોમીટર ના વિસ્તારોમાંથી ફક્ત ૫ કિલોમીટર શહેરની વચ્ચે આવેલ મુખ્ય બજારોમાં તેમજ આજુબાજુના વિસ્તારમાંથી ઝાડું થી કચરો ભેગો કરીને દરરોજ લેવામાં આવે છે. અને બાકીના ૧૧.૬૩ કિલોમીટર ની સફાઈ અઠવાડિયામાં એક વખત થાય છે. આમ, ખોટે ખોટુ રોજે રોજનું સફાઈ નું બિલ બનાવી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે. આ વિસ્તારોમાં રોડ સ્વીપર નો ઉપયોગ ફક્ત મહિનામાં એકજ વખત કરવામાં આવે છે આમ રોડ સ્વીપરનું બિલ રોજે રોજ નું બને છે. જે ખોટું બિલ બનાવી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.

(૫) ૧૧.૧૯ કિલોમીટરના અલગ અલગ વિસ્તારોનું રોડ સ્વીપર થી કામગીરી એકોત્રે સફાઈ કરવાનું બિલ બનાવેલ છે તેમાં પણ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે. એકોત્રે સફાઈ થતી નથી. કોઈ જગ્યાએ એક અઠવાડિયે કોઈ જગ્યાએ દસ દિવસે સફાઈ કરવામાં આવે છે. તેમાં પણ ફક્ત ઝાડું દ્વારા કચરો લેવામાં આવે છે બ્રશિંગ સ્કેપિંગ થી કોઈ કામગીરી કરવામાં આવતી નથી.મહિને એકાદ વખત રોડ સ્વીપર નો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે બિલ એકોત્રે રોડ સ્વીપર નું ખોટું બનાવવામાં આવે છે.

ડોર ટુ ડોરમાં પણ ગેરરીતિ; આ ઉપરાંત ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનું પણ ડી. કે. નાકરાણી એજન્સીનું દર મહિને 26 લાખ ઉપરાંતનું બિલ બની રહ્યું છે. આમ, રાત્રી સફાઈ તેમજ ડોર ટુ ડોર કનેક્શન નું બિલ ભેગુ મળીને 45 લાખ ઉપરાંત નો ખર્ચ દર મહિને થઈ રહ્યો છે. છતાં પણ પાલનપુર શહેર માં ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ રોડ પર જોવા મળી રહ્યા છે. પાલનપુર નગર પાલિકાની બદનામી થઈ રહી છે. સરકારે આપેલ ગ્રાંટનો દુરુપયોગ કરી કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની રજુઆત કરાઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *