સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત પાલનપુરની ગુલબાંગો વચ્ચે રોડ પર ગંદકી ફેલાતા દુર્ગંધથી ત્રસ્ત વેપારીઓએ ઠાલવ્યો ઉભરો ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના રાજમાં ફૂલો અને અત્તરોની નગરીમાં વોર્ડ નં.6ના દિલ્હીગેટ વિસ્તારમાં આવેલ સુલભ શૌચાલય સફાઈના અભાવે ગંદકીનું ધામ બન્યું છે. કચરો ન ઉઠાવતા દિલ્હીગેટ ચોક પર ગંદકીનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. ત્યારે વારંવારની રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાઈને પરત ફરતા આજે વેપારીઓએ ભારે આક્રોશ ઠાલવતા શાસકો સામે ફિટકારની લાગણી વરસાવી હતી.
પાલનપુરના હાર્દસમા દિલ્હીગેટ વિસ્તારમાં સુલભ શૌચાલય આવેલું છે. જે શૌચાલય સહિત આસપાસ ગંદકીનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. જેને લઈને સ્થાનિક વેપારીઓ દ્વારા પાલિકા તંત્રને અવાર નવાર રજુઆત કરવા છતાં વેપારીઓની રજુઆત બહેરા કાને અથડાઈને પરત ફરતા વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનું બંસીભાઈ નામના વેપારીએ જણાવ્યું હતું. દિલ્હીગેટ ચોકમાં ગંદકીને કારણે ગાયો, ભૂંડ સહિતના પશુઓ પણ અહીં અડિંગો જમાવી બેસતા હોઈ રાહદારીઓ અને વાહન ચાલકોને અડફેટે લઈ રહ્યા છે. ગંદકીથી ખબબદતા આ કચરાના સ્ટેન્ટથી દુર્ગધ ફેલાતી હોઈ રોગચાળાની ભીતિ વ્યક્ત કરતા વેપારીઓએ ફૂલો અને અત્તરોની નગરી પાલનપુરને વર્તમાન શાસકોએ ગંદકીનું ધામ બનાવી હોવાનું કિશોર રાઠોડ નામના વેપારીએ જણાવ્યું હતું.
ધારાસભ્યની બાંહેધરી પણ કચરા ટોપલીને હવાલે
“પ્લાસ્ટિક મુક્ત પાલનપુર” અને સ્વચ્છતાના બણગાં ફૂંકતા પાલિકાના શાસકો એસી ચેમ્બરમાં બેસી રહે છે. વારંવાર મેસેજ અને ફોટા મોકલી રજુઆત કરવા છતાં કોઈ કચરો ઉપાડવા પણ આવતું નથી. તો વળી અહીંથી કચરાનું સ્ટેન્ડ દૂર કરવાની ધારાસભ્ય અનિકેત ઠાકરની બાંહેધરીને પણ પાલિકાના શાસકોએ કચરા ટોપલીને હવાલે કરી દીધી હોવાના આક્ષેપો ભુપેન્દ્રભાઈ પુરોહિત સહિતના વેપારીઓએ કર્યા હતા. જોકે, શહેર ભાજપના ઉપપ્રમુખના લઘુ બંધુ સહિતના મોટા ભાગના વેપારીઓ ભાજપની ભગિની સંસ્થાઓ સાથે સંકળાયેલા હોવા છતાં પાલિકાના શાસકો તેઓને ગાંઠતા ન હોઈ તેઓ સોશિયલ મીડિયામાં પણ ઉભરો ઠાલવી રહ્યા છે. તમામ વેપારીઓ એક જ સુરે શહેરના હાર્દસમા દિલ્હીગેટ ચોકથી કચરાનું સ્ટેન્ડ હટાવી લેવાની માંગ કરી રહ્યા છે.