જિલ્લા કલેકટર,એસ.પી. અને ધારાસભ્ય દરરોજ આ માર્ગ ઉપરથી પસાર થાય છે.
ધુળિયો અને ખાડા ટેકરા વાળો બની ગયેલ માર્ગથી વિદ્યાર્થીઓ સહિત પ્રજાજનો પરેશાન: પાલનપુર શહેરના જહાનારા બગીચાથી બનાસ ડેરી સુધીનો ત્રણ કિલોમીટરનો માર્ગ માથાના દુખાવા સમાન બની ગયો છે.આમ તો સમસ્યા ઘણા વર્ષોથી છે પરંતુ છેલ્લા ત્રણ માસથી આ રસ્તા પર વિદ્યાર્થીઓ અને વેપારીઓ પણ પરેશાન છે. મહત્વની વાત એ છે કે કલેક્ટર એસપી અને ધારાસભ્ય આ માર્ગ પરથી રોજ ચાલે છે છતાં છેલ્લા ત્રણ માસથી મુશ્કેલીઓ હોવા છતાં પાલિકાને સુચના પણ આપી શક્યા નથી.
પાલનપુર શહેરમાં વર્ષોથી રોડ નવો બનાવાય અને તેના છ માસમાં જ ફરી રોડને તોડી નાખવાની પ્રક્રિયા થાય છે.અત્યારે શહેરમાં પાઇપલાઇન નંખાવાનું કામ ચાલી રહ્યું છે જોકે જે પાઇપલાઇન પૂરતી જગ્યા હોય તેમાં ખોદકામ થતું નથી પરંતુ આખેઆખો રોડ તોડી નખાય છે. શહેરના કુંવરબાઈથી કલેકટર બંગલા સુધીનો જે માર્ગ છે તે છેલ્લા ત્રણ માસથી તૂટેલી હાલતમાં છે અને ત્રણ માસથી કલેકટર એસપી અને ધારાસભ્ય આ રોડ પરથી પસાર થાય છે મુશ્કેલીઓ ભોગવે છે પરંતુ પાલિકા તંત્ર આ મુશ્કેલીઓનું નિવારણ લાવી શકતું નથી.
કુવરબાઈથી બનાસ ડેરીના માર્ગ સુધી મસ મોટા ખાડા અને તૂટેલી હાલતમાં રોડને લઈને વિદ્યાર્થીઓ રાહદારીઓ અને વાહન ચાલકો તો પરેશાન છે સાથે સાથે વેપારીઓ પરેશાન છે. બે માસથી આ રોડ ખોદી દેવાતા ધૂળ ઉડે છે અને એ વેપારીઓની દુકાનોમાં જાય છે.તેથી વ્યાપારીઓના ધંધા પર અને તેમના ગ્રાહકો પર પણ અસર થાય છે. જોકે પાલિકામાં રજૂઆત તો વેપારીઓએ કરે છે પરંતુ સમસ્યાનું સમાધાન નથી આવતું તેમ વેપારી નરેશ ચૌધરીએ જણાવ્યું હતું.
પાલનપુર નગરપાલિકાના કોંગ્રેસ ઉપપ્રમુખ સાહિલ કુરેશીએ જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષ બેદરકાર હોય ત્યારે વિપક્ષની ભૂમિકા છે કે આ મુશ્કેલીઓને હલ કરે પરંતુ વિપક્ષનું માનીએ તો બે માસથી લોકો મુશ્કેલીમાં તો છે અગવડો ભોગવે છે પરંતુ તેઓએ સત્તાધારી પક્ષને રજૂઆત કરી છે જોકે સત્તાધારી પક્ષ વિપક્ષનું સાંભળતો નથી અને વિપક્ષ પોતાની જવાબદારી પૂરી કરવામાં ઉણો ઊતર્યો છે. જેને કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. પાલનપુરની પ્રજા ટેક્સ પાલિકાને આપે છે એટલે મુશ્કેલીઓ હોય તો એ પાલિકાને જ જવાબદાર ઠેરવે એ સામાન્ય બાબત છે પરંતુ પાલિકાનું કહેવું છે કે જીયુડીસી દ્વારા આ કામ થાય છે અને તેણે જરૂરિયાત કરતા વધારે રોડમાં ખોદકામ કર્યું છે. તેના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે તેવું પાલિકા સ્વીકારે છે પરંતુ અત્યારે જીયુડીસી અને પાલિકામાં સંકલન નથી અને આ સંકલનને અભાવે પાઇપલાઇનનું કામ પૂરું થઈ ગયું હોવા છતાં પાલનપુર નગરપાલિકા આ રોડને સુધારી શકી નથી અથવા તો મુશ્કેલી હલ થાય તેવા પ્રયત્નો કરી શકી નથી.
આમ પ્રજા ત્રાહીમામ: છેલ્લા ઘણા વર્ષોથી જહાનારા બાગથી બનાસ ડેરી રોડની સમસ્યા યથાવત છે ચોમાસામાંતો આ રોડની હાલત ખુબ ખરાબ થાય છે. કલેકટરના રહેણાંક મકાનથી માત્ર 100 મીટર દૂર વરસાદી પાણી ભરાય છે અને ઢીંચણ સમા પાણીમાં લોકો ચાલે છે છતાં પણ આ જ સુધી આ વરસાદી પાણીનો નિકાલ થયો નથી કે નથી રોડના ખાડા પૂરાયા કે નથી રોડ નવો બનાવવાની તસ્દી લેવાતી ત્યારે જોવું એ રહ્યું કે કલેક્ટર ,એસપી અને ધારાસભ્ય જો તેમની મુશ્કેલીઓ દૂર ન કરી શકતા હોય તો પ્રજાની મુશ્કેલીઓ શું દૂર કરવાના ? તેવો લોકોએ સવાલ કર્યો હતો.