ભાભર તાલુકામાં સેવા સહકારી મંડળીઓમાં ધિરાણ બાબતે ગેરરીતિની રાડ
ભાભર તાલુકાના ખડોસણ ગામની સેવા સહકારી મંડળી દ્વારા ગેરરીતિની સભાસદોમાં રાડ ઉઠી છે. ગામના ખેડૂતોને બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની ભાભર શાખા દ્વારા પાક ધિરાણની રકમ ભરવા બાબતની નોટિસ મળી હતી. જેમાં ખેડૂત સભાસદોએ ધિરાણ લીધેલ હોવાનું નોટિસમાં જણાવેલ પરંતુ નોટિસ મળનાર સભાસદોએ અગાઉ ધિરાણ લીધેલુ અને ભરપાઈ કર્યું હતું પરંતુ નવા વર્ષમાં મંડળીના મંત્રી તેમજ બનાસ બેંકના સ્ટાફ દ્વારા ધીરાણમાં ગેરરીતિ કરેલ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું અને આજ રોજ સોમવારે મોટી સંખ્યામાં નોટિસ મળનાર ખેડૂત સભાસદો ભાભરની બનાસ બેંક શાખામાં રજૂઆત માટે આવ્યા હતા.
જેમાં ખડોસણ ગામના રબારી જોધાભાઈ ધુડાભાઈ જેઓ ૨૦૨૧ માં કોરોના સમયે મૃત્યુ પામેલા છે. પરિવાર જનોને તેમના ઘરે કે.સી.સી. પાક ધિરાણની ત્રણ લાખની રકમ ભરવાની નોટિસ મળતા બનાસ બેંકની શાખાએ કેટલાક ખેડૂતો એકઠા થઇ આવ્યા હતા અને તપાસ કરાવતા બનાસ બેંક ભાભર શાખાના મેનેજર કમલેશભાઈ શાહ દ્વારા તપાસ કરતા જણાવેલ કે ૦૭/૦૬/૨૦૨૩ ના ત્રણ લાખ રૂપિયા જોધાભાઈ ધુળાભાઈ રબારીના નામે પાક ધિરાણના ઉપાડ્યાનું રેકોર્ડ ઉપરથી માલુમ પડ્યું હતું. મૃતકના નામે પૈસા ઉપડતા મૃતક ખેડૂતના પુત્ર આંબાભાઈ રબારીએ મંડળીના મંત્રી સહિત ભાભર બનાસ બેંકના સ્ટાફ પર મૃતકના નામે પાક ધિરાણ કેવી રીતે મંજુર કરવામાં આવ્યું છે ? અને મંજુર થયેલ પાક ધિરાણ કોણે ઉપાડ્યું ? તેવા અનેક સવાલો ઉઠાવ્યા છે. ખડોસણ સેવા સહકારી મંડળીમાં અનેક ખેડૂતોએ કે.સી.સી. ધીરાણ નથી લીધું છતાં જમીનના ૭/૧૨, ૮અ ઉપર બોજો પાડી ૩ લાખ રૂપિયા ઉપાડી ગેરરીતિ આચરાઈ છે.આવું અનેક મંડળીઓમાં થયું છે.અગાઉ પણ ભાભર જુના સેવા સહકારી મંડળીમાં ખેડૂતોના નામે ધિરાણ બાબતે ભાભર પોલીસ મથકે ખેડૂતો દ્વારા લેખિતમાં અરજી આપી તપાસ કરવા રજૂઆત કરેલ છે. ભાભર તાલુકામાં આવેલ સેવા સહકારી મંડળીઓમાં થયેલ પાક ધિરાણ બાબતે ઉચ્ચકક્ષાએથી સચોટ તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

