પાટણ શહેરમાં મકરસંક્રાંતિના તહેવાર પહેલા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. એસઓજી પોલીસે બોરસણ ચોકડી પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 30 ફીરકી ચાઇનીઝ દોરી અને એક મોટરસાયકલ મળી કુલ 30,000રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ, જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના અમલીકરણ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી. મકરસંક્રાંતિ દરમિયાન ચાઇનીઝ દોરી માનવજીવન અને પક્ષીઓ માટે જોખમી હોવાથી તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ પઠાણ રફીકખાન રસીદખાન (ઉ.વ.33, રહે. જુમ્મા મસ્જિદની સામે, બુકડી, પાટણ) તરીકે થઈ છે. તેની પાસેથી દરેક ફીરકી રૂ.500ના ભાવની 30 ફીરકી (કુલ રૂ.15000) અને રૂ.15,000ની કિંમતનું મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યું છે. આ કેસમાં મહાદેવ નામના એક અન્ય શખ્સની ધરપકડ બાકી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 223, 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.