ડીસા માર્કેટયાર્ડ લાભ પાંચમે મગફળીની આવકોથી ઊભરાયું : પ્રથમ દિને જ 60 હજારથી વધુ બોરીની આવક

ડીસા માર્કેટયાર્ડ લાભ પાંચમે મગફળીની આવકોથી ઊભરાયું : પ્રથમ દિને જ 60 હજારથી વધુ બોરીની આવક

નવા વર્ષના પ્રથમ દિને જ 60 હજારથી વધુ બોરીની આવક

ટેકાના ભાવે ખરીદીનું કેન્દ્ર ખુલવાની રાહ જોતા ખેડૂતો

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ખરીફ પાક ગણાતા મગફળીમાં ચાલુ વર્ષે પાક લેટ થતા તેમજ દિવાળીની રજાઓ બાદ માર્કેટયાર્ડો આજે લાભ પાંચમથી શરૂ થતાં પ્રથમ દિને જ મગફળીની પુષ્કળ આવક થતા માર્કેટયાર્ડ ધમધમતાં થયા હતાં .ડીસા માર્કેટ યાર્ડમાં મુહૂર્તના દિવસે જ 60 હજારથી વધુ બોરીની મગફળીની આવક નોંધાઇ હતી. જો કે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની હોવા છતાં હજુ સુધી કેન્દ્ર શરૂ થયું ન હોવાથી અનેક ખેડૂતો કેન્દ્ર ખુલવાની રાહ જોઈ રહયા છે.

ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદના કારણે ચોમાસુ પાકો ધોવાઇ ગયા હતા જોકે ત્યારબાદ ખેડૂતોએ જિલ્લાના મુખ્ય ગણાતા ખરીફ પાક મગફળીનું મોટાપાયે વાવેતર કર્યુ હતુ.વાવેતર લેટ થતા આ વખતે દિવાળી અગાઉ મગફળીની ખાસ આવક નોંધાઇ નથી .ત્યારબાદ માર્કેટયાર્ડોમાં આઠ દિવસ જેટલી રજા બાદ લાભપાંચમના શુભ મુહૂર્તે ડીસા માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે જ 60000થી વધુ બોરીની મગફળીની આવક નોંધાઇ હતી. મુહૂર્તના સોદામાં મગફળીના એવરેજ ભાવ 1125 થી લઈ 1350 રૂ.જેવા રહ્યા હતા. જ્યારે સૌથી ઊંચા ભાવ રૂપિયા 1481 પ્રતિ મણના બોલાયા હતા.

જો કે સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે પ્રતિ મણ 1356 ના ભાવે ટેકાના ભાવે ખરીદી કરવા માટે ગુજકોમાસોલ દ્વારા કેન્દ્રો શરૂ કરવા પ્રતિનિયુક્તિ કરાઈ છે.પરંતુ ગુજકોમાસોલ દ્વારા ઉત્તર ગુજરાતના માર્કેટયાર્ડમાં કુલ 35 જેટલા કેન્દ્રો શરૂ કરવાના હોવા છતા લાભપાંચમથી ખરીદી કેન્દ્રો શરૂ થયા ન હતા.મગફળીની સૌથી વધુ આવક ડીસા માર્કેટયાર્ડમાં હોવા છતાં ડીસા માર્કેટમાં મગફળીનું ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર શરૂ થયું ન હતું.

subscriber

Related Articles