બનાસકાંઠા પોલીસ બહેનોની સુરક્ષા માટે હર હંમેશા કટિબદ્ધ

બનાસકાંઠા પોલીસ બહેનોની સુરક્ષા માટે હર હંમેશા કટિબદ્ધ

સ્વ-રક્ષણ યોજના હેઠળ છેલ્લા ૨૬ મહિનામાં ૧૩,૪૮૬ બહેનોને સેલ્ફ ડિફેન્સની અપાઈ તાલીમ

સરકારના પ્રયત્નોથી સ્વ-રક્ષણની તાલીમ મેળવી મહિલાઓનું થશે આત્મરક્ષણ:-જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા

મહિલાઓના હકો, સમાનતા અને સશક્તિકરણ હેઠળ જાગૃતિ કેળવાય તે હેતુથી ૮ માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાય છે. રાજ્યમાં બહેનોની સુરક્ષા માટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ વિભાગ દ્વારા મહિલા સ્વ-રક્ષણ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ બહેનોને આત્મ રક્ષણ એટલે કે સેલ્ફ ડિફેન્સની વિશેષ તાલીમ આપવામાં આવે છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા બહેનોને તાલીમ આપીને પ્રશંસનીય કામગીરી કરી છે. આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, બનાસકાંઠામાં છેલ્લા ૨ વર્ષમાં ૧૦,૦૮૬ બહેનોને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ ચૂકી છે જ્યારે અત્યારે ચાલુ માસે પણ ૩૪૦૦ બહેનો તાલીમ મેળવી રહી છે. તેમણે જણાવ્યું કે, આ તાલીમ થકી બહેનો-યુવતીઓમાં આત્મવિશ્વાસ અને હિંમત કેળવાય છે તથા હેરાનગતિ, અત્યાચાર અને દુર્વ્યવહાર સામે લડવા માટે બહેનો સક્ષમ બને છે. બનાસકાંઠા પોલીસ મહિલાઓની સુરક્ષા માટે હર હંમેશા કટિબદ્ધ છે ત્યારે વધુમાં વધુ બહેનો સ્વ રક્ષણની આ તાલીમ મેળવે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા અનુરોધ કરાયો હતો. રાજ્ય સરકારની આ શ્રેષ્ઠ તાલીમ થકી બહેનો આપાતકાલીન પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે શીખવવામાં આવે છે.

બનાસકાંઠામાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા છેલ્લા ૨૬ મહિનામાં ૧૩,૪૮૬ બહેનો-યુવતીઓને સ્વ-રક્ષણની તાલીમ અપાઈ છે. જેમાં ટ્રેનર દ્વારા વિવિધ સંસ્થાઓ, શાળા- કોલેજ ખાતે જઈને બહેનોને ૧૫ કલાકની તાલીમ આપવામાં આવે છે. તેમને કરાટે, જૂડો અને અન્ય માર્શલ આર્ટ્સની તાલીમ પોલીસ અને સુરક્ષા નિષ્ણાતો દ્વારા અપાય છે. આ સાથે સમાનતા અને સશક્તિકરણ પર વર્કશોપ તથા તાત્કાલિક બચાવ અને મોબાઈલ એપ્લિકેશન ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. આજે જિલ્લાની હજારો બહેનો આ તાલીમ મેળવીને જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ વિભાગનો આભાર માની રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *