બનાસકાંઠા; પડતર માંગણીઓને લઈને આરોગ્યકર્મીઓ હડતાળના માર્ગે

બનાસકાંઠા; પડતર માંગણીઓને લઈને આરોગ્યકર્મીઓ હડતાળના માર્ગે

બનાસકાંઠાના 1500 આરોગ્ય કર્મીઓ હડતાળ પર: આરોગ્ય સેવા ખોરવાશે; પડતર માંગણીઓને લઈને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહા સંઘ દ્વારા આજથી હડતાળનો માર્ગ અપનાવાયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના 1500 આરોગ્યકર્મીઓ પણ હડતાળમાં જોડાયા છે.

રાજ્યભરના આરોગ્ય કર્મીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. ત્યારે ટેક્નિકલ કૌશલ્ય ધરાવતા આરોગ્યકર્મીઓ ને ટેક્નિકલ સંવર્ગમાં સમાવવા, સુધારણા પગાર ધોરણ આપવું સહિતની માંગણીઓને લઈને બનાસકાંઠા જિલ્લાના પણ 1500 જેટલા આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા હોવાનું પ્રમુખ રાજેન્દ્રસિંહએ જણાવ્યું હતું.

હડતાળમાં જોડાયેલા કર્મચારીઓએ જિલ્લા પંચાયત કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યાં સુધી માંગણીઓ નહિ સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ જારી રાખવાની ચીમકી આરોગ્યકર્મીઓએ ઉચ્ચારી હોવાનું માધવસિંહ પરમારે જણાવ્યું હતું. આરોગ્યકર્મીઓની હડતાળને પગલે જિલ્લામાં આરોગ્ય સેવાઓ ખોરવાઇ જાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

અચોક્કસ મુદતની હડતાળ; પોતાની પડતર માંગણીઓને લઈ ને આરોગ્યકર્મીઓએ હડતાલનું બ્રહ્માસ્ત્ર ઉગામ્યુ છે. હડતાલનું શસ્ત્ર ઉગામતા પૂર્વે 5 તારીખે માસ સીએલ પર ઉતરી ગાંધીનગર ખાતે ધરણાં, 7 થી 14 તારીખ સુધી ઓનલાઈન- ઓફ લાઇન કામગીરી બંધ કરી હતી. છતાં સરકારના બહેરા કાને ન સાંભળતા આરોગ્યકર્મીઓએ આખરે 17 તારીખથી અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે. અગાઉ 2022 માં 56 દિવસ હડતાળ પર ઉતરેલા કર્મીઓએ આ વખતે માંગણીઓ નહિ સંતોષાય ત્યાં સુધી હડતાળ જારી રાખવાનું એલાન કર્યું છે. ત્યારે આ વખતની હડતાળ કેટલી લાંબી ચાલશે તે જોવું રહ્યું..!

આરોગ્ય સેવાઓ ખોરવાશે; બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય સ્તરે ગ્રાઉન્ડ લેવલે કામ કરતા આરોગ્ય કર્મીઓની હળતાળથી આરોગ્ય સેવા ખોરવાશે. આરોગ્યકર્મીઓ ની હડતાળને પગલે રસીકરણ કામગીરી ઠપ્પ થઈ જશે. રોગચાળા અટકાયતી પગલાંની કામગીરીને અસર પહોંચશે. ગ્રામ્ય કક્ષાએ રોગચાળાને લઈને આવતું રિપોર્ટિંગ બંધ થતાં સંભવિત રોગચાળાને લઈને થતી કામગીરીને પણ માઠી અસર થશે. ટૂંકમાં, હડતાળ લંબાશે તો ગ્રામ્ય ક્ષેત્રે આરોગ્ય સેવા ખોરવાઈ જવાની સાથે આરોગ્ય વિષયક સેવાઓ લકવાગ્રસ્ત બની જશે તેવું ખુદ આરોગ્ય વિભાગમાં પણ ચર્ચાઈ રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *