ડીસામાં લઘુતમ તાપમાન નો પારો છેલ્લા પાંચ દિવસમાં ૯ ડિગ્રી ઘટતા રાત્રિ દરમિયાન તિવ્ર ઠંડીનો અનુભવ
આગામી ત્રણ દિવસમાં મિનિમમ ટેમ્પરેચરમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા : હવામાન વિભાગ
બનાસકાંઠા જિલ્લામાં થોડાક દિવસો અગાઉ વાતાવરણમાં આવેલા ફેરફાર ને લઇ કમોસમી વરસાદ થવા પામ્યો હતો જેના કારણે ખેડૂત વર્ગને પણ મોટું નુકસાન થવા પામ્યું છે અને શિયાળાની શરૂઆતમાં ચોમાસાનો માહોલ સર્જાયો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલ સીસ્ટમના પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભેજવાળા પવનોના કારણે અનેક સ્થળો ઉપર મધ્યમથી ભારે વરસાદ થવા પામ્યો હતો. પરંતુ ત્યારબાદ અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમ વિખેરાતાની સાથે પવનની દિશા બદલાતા આકાશમાં ધેરાયેલા વાદળો પણ ખસી જતાં આકાશ સ્વચ્છ થઈ જતાની સાથે જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા પાંચ દિવસમાં ડીસામાં ઠંડીના પારામાં મોટો ઘટાડો નોંધાતા ૯ ડીગ્રી જેટલું તાપમાન ઘટી જતા લોકોને રાત્રિ દરમિયાન તિવ્ર ઠંડીની અસર વર્તાઈ રહી છે
હવામાન નિષ્ણાતોના મતે આગામી સમયમાં પણ ઉત્તર પશ્ચિમના સુકા પવનો ફુકાવાની શક્યતાઓને લઈ ઠંડીનું પ્રમાણ વધવાની પણ સંભાવનાઓ રહેલી છે. ત્યારે હવે ધીરે ધીરે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ શિયાળાની અસર વર્તાતી જોવા મળશે ઠંડીની શરૂઆત થતાં ખેડૂતો પણ હવે રવિ સિઝનનું વાવણીની કામગીરી પણ કરશે એટલે કે કમોસમી વરસાદ બાદ સિઝનની પ્રથમ વાર ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે
અગાઉ વાતાવરણમાં થયેલા ફેરફારને લઈ મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો હતો
બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની શરૂઆતમાં જ વાતાવરણમાં મોટો પલટો આવતા ઠંડીની મોસમ જામી ન હતી અને શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જેના કારણે લોકોને ગરમી સહિતનો અનુભવ થતો હતો. પરંતુ હવે ધીરે ધીરે વાતાવરણમાં બદલાવ આવતા આગામી સમયમાં ઠંડીનું જોર પણ વધવાની શક્યતાઓ રહેલી છે.
ડીસાનું લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રી નીચે પહોંચ્યું
ડીસા શહેરમાં શિયાળાની સિઝન દરમિયાન સૌથી વધુ ઠંડીનો અનુભવ થતો હોય છે. ત્યારે શિયાળાની શરૂઆતમાં તાપમાન ૨૦ ડિગ્રી નીચે ગયું હતું. પરંતુ તેના પછી આવેલા વાતાવરણના બદલાવના કારણે લઘુત્તમ તાપમાનનો પારો ૨૨ થી ૨૫ ડિગ્રી આસપાસ પહોંચી ગયો હતો. પરંતુ ફરી એકવાર ઠંડીનો પારો ગગડતા ૧૬ ડિગ્રી નીચે તાપમાન નોંધાયું છે.

