બનાસકાંઠાના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ

બનાસકાંઠાના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ

દિવાળીના વેકેશન બાદ પણ 20 ટકા કારખાના ખુલતા રત્નકલાકારોની હાલત કફોડી

 એક સમયે ગુજરાતમાં ત્રીજા ક્રમે આવતો બનાસકાંઠાનો હીરા ઉદ્યોગ મંદીના ભરડામાં

બનાસકાંઠા જિલ્લો- જે એક સમયે ગુજરાતમાં હીરા ઉદ્યોગ માટે ‘હીરા નગરી’ તરીકે જાણીતો હતો, તે હવે આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે. આ મંદીને કારણે હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો છે અને પાલનપુર પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે. પરિણામે, હજારો રત્નકલાકાર પરિવારોની આજીવિકા છીનવાઈ ગઈ છે.

બનાસકાંઠા જિલ્લામાં હીરા ઉદ્યોગ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે. આ વર્ષે દિવાળી વેકેશન પછી પણ મોટાભાગના હીરા કારખાના ખુલ્યા નથી. જિલ્લાના કુલ 700 થી 800 નાના-મોટા કારખાનાઓમાંથી માત્ર 10 થી 15 ટકા જ એક-બે દિવસ માટે કાર્યરત થયા છે, જેના કારણે હજારો રત્નકલાકારો બેરોજગાર બન્યા છે.હીરા ઉદ્યોગમાં પ્રવર્તતી આ ભયંકર મંદીને કારણે ઘણા કારીગરો પોતાના વતન પરત ફર્યા છે અને હાલ બેરોજગાર છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ત્રણ ઉદ્યોગો – પશુપાલન, ખેતી અને હીરા ઉદ્યોગ. આ પૈકી હીરા ઉદ્યોગની આ સ્થિતિ રત્નકલાકારો અને કારખાનેદારો બંને માટે ગંભીર ચિંતાનો વિષય બની છે.ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો આ પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેઓ ભય વ્યક્ત કરી રહ્યા છે કે, જો આ સ્થિતિ યથાવત્ રહેશે તો રત્નકલાકારો આત્મહત્યા જેવા  પગલાં ભરવા મજબૂર બની શકે છે. ઉદ્યોગના પ્રતિનિધિઓએ સરકારને હીરા ઉદ્યોગને સહાય કરવા અને તેને ટકાવી રાખવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનવણી કરી છે.

ભૂતકાળમાં બનાસકાંઠા હીરા પોલિશિંગમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને હતો, પરંતુ હવે તે સુરત અને ભાવનગર પછી ત્રીજા ક્રમે આવી ગયો છે. જિલ્લામાં હીરાનું ઉત્પાદન ધીમે ધીમે ઘટી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગ સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે, ત્યારે આ ઉદ્યોગ પ્રત્યે સરકારનું ઉદાસીન વલણ ચિંતાજનક છે. મંદીના કારણે ઘણા કારીગરો આ ધંધો છોડીને અન્ય વ્યવસાયો તરફ વળી રહ્યા છે.

વેકેશન બાદ હજુ સુધી કારખાના ખુલ્યા નથી : રત્નકલાકાર

આ અંગે રત્નકલાકાર અશોક ઠાકોરે જણાવ્યું હતું કે, હું છેલ્લા પંદર વર્ષથી હીરાનો ધંધો કરું છું. અમને બીજો કોઈ ધંધો ફાવતો નથી. પહેલા 10 હજારનું કામ કરતા હતાં, અત્યારે 5 હજારનું કામ થતું નથી. દિવાળી પર મહિનાનું વેકેશન પડ્યું હતું જે બાદ દેવ દિવાળી પણ ગઈ તેમ છતાં હજુ સુધી કારખાના ખુલ્યા નથી અમે શું કરીએ ?

જિલ્લામાં માત્ર 10 થી 15 ટકા કારખાના ખુલ્યા છે : પ્રમુખ

બનાસકાંઠા જિલ્લા ડાયમંડ ફેક્ટરી એસોસિએશનના પ્રમુખ અમરત ફોસીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણથી ચાર વર્ષથી ડાયમંડના ધંધામાં મંદી છે. છેલ્લા એક મહિનાથી વેકેશન પડ્યું છે. આજ દિન સુધી કારખાના ખુલ્યા નથી. બનાસકાંઠામાં 700 થી 800 નાના મોટા કારખાના છે, જેમાંથી માત્ર 10થી 15 ટકા કારખાના ખુલ્યા છે એ પણ એક બે દિવસમાં જ ખુલ્યા છે. હજુ કારીગરો ઘરે બેઠા છે. અત્યારે ભયંકર મંદી છે.

કારીગરો જાય તો જાય ક્યાં ? વધુંમાં તેમણે જણાવ્યું કે, હું સરકારને વિનંતી કરું છું કે તાયફા બંદ કરો અને હીરા ઉદ્યોગ માટે સહાય કરો. સરકાર અલગ જગ્યાએ ખર્ચા કરે છે, ચૂંટણીના સમયે આવી જાય છે અને મીઠી મીઠી વાતો કરે છે. હીરા ઉદ્યોગ આખા ગુજરાતમાં સૌથી વધુ રોજગારી પેદા કરે છે.પણ આ હીરા ઉદ્યોગ સામે સરકાર ઓરમાયું વર્તન કરી રહી છે ખરેખર આ ધંધાને ટકાવી રાખવા માટે સરકારે યોગ્ય પગલાં લેવા જરૂરી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *